ભારતને એનએસજીમાં સભ્યપદ માટે હવે મેક્સિકોનું પણ સમર્થન

Friday 10th June 2016 04:42 EDT
 
 

મેક્સિકો સિટી, નવી દિલ્હીઃ અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ બાદ હવે મેક્સિકોએ પણ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક્સિકો પ્રવાસ વેળા ગુરુવારે આ જાહેરાત કરાઇ હતી. પાંચ દેશોના વિદેશ પ્રવાસના આખરી મુકામ મેક્સિકો પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ સ્વાગત થયું હતું. બન્ને દેશો વચ્ચે કેટલાય મુદ્દાઓ પર દ્વિપક્ષીય મંત્રણા થઇ હતી, જેમાં એનએસજી મુદ્દે ભારતને મેક્સિકોનું સમર્થન જાહેર કરવા ઉપરાંત અંતરીક્ષ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને સૌર ઊર્જા જેવા મુદ્દા પર સમજૂતી કરાર થયા હતા.
મેક્સિકોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતને એનએસજીમાં સ્થાન મળવું જ જોઈએ. મેક્સિકોના પ્રમુખ એનરિક પેના નૈતોએ મોદી સાથેની મુલાકાત બાદ સંયુક્ત સંબોધનમાં ભારતને સમર્થન જાહેર કર્યું હતું. મેક્સિકોએ કહ્યું કે, ૪૮ દેશોના આ જૂથમાં તેઓ ભારતને સકારાત્મક અને રચનાત્મક ધોરણે સમર્થન આપે છે.
બીજી તરફ, પાકિસ્તાને ભારતને એનએસજી મુદ્દે મળી રહેલા સમર્થનની ઈર્ષામાં ધમપછાડા શરૂ કર્યા છે. પાકિસ્તાને અમેરિકા સામે જીદ શરૂ કરી છે કે અમેરિકાએ તેને પણ સમર્થન આપે. આ ઉપરાંત તેણે અન્ય દેશો પાસે પણ એનએસજીમાં સમર્થન મેળવવા માટે હાથ લંબાવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ, ચીને એનએસજીમાં સભ્યપદ માટે ભારતનો વિરોધ કર્યો છે.
વડા પ્રધાન મોદીએ એનએસજીમાં સભ્યપદ માટે સમર્થન આપવા બદલ મેક્સિકોનો આભાર માન્યો હતો. તેમણે પોતાના ભાષણની શરૂઆત કરતા લેટિન અમેરિકન ભાષામાં નૈતોનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મેક્સિકોનું આ સમર્થન ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્ત્વનું સાબિત થશે. અમે બે વર્ષમાં ત્રીજી વખત મળ્યા છીએ, જે અમારી મિત્રતાને મજબૂત કરવા પૂરતું છે.
અમેરિકી કોંગ્રેસને સંબોધન કર્યા બાદ મોદી અંતિમ તબક્કામાં મેક્સિકો પહોંચ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારો ક્રેતા-વિક્રેતાનો સંબંધ છે. હવે બંને દેશો તેને આગળ વધારવા માગે છે જે લાંબા સમય સુધી દ્વિપક્ષીય સંબંધોને જાળવી રાખે. અમે અમારા સંબંધોને કુટનીતિક સંબંધોમાં પરિવર્તિત કરવા એક રોડમેપ વિકસાવવા અંગે સહમતી સાધી છે. સૌર ઊર્જા ક્ષેત્રમાં પણ બંને દેશો મજબૂત ભાગીદારી વિકસિત કરી શકે છે.

પ્રમુખે મોદી માટે પ્રોટોકલ તોડ્યો

મોદી મેક્સિકો પહોંચ્યા ત્યારે પ્રારંભિક ચર્ચા કર્યા બાદ મેક્સિકન પ્રેસિડેન્ટ નૈતો જાતે જ કાર ડ્રાઈવ કરીને મોદીને વિશ્વની ટોપ-૫૦ હોટેલમાં સ્થાન ધરાવતી ક્વિન્ટોનિલ હોટેલમાં લઈ ગયા હતા. આ હોટેલ પોતાના લિજ્જતદાર શાકાહારી ભોજનના કારણે ગયા વર્ષે વિશ્વમાં ૩૫મા સ્થાને આવી હતી. મોદી અને નૈતોએ પણ અહીંયા શાકાહારી ભોજનની મજા માણી હતી. અહીં મોદીએ મેક્સિકન વેજીટેરિયન બીન ટાકોઝનો સ્વાદ માણ્યો હતો.

ભારત બનશે અમેરિકાનું સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનર

ભારતને અમેરિકાનું સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનર બનાવવા માટે અમેરિકાના બે વરિષ્ઠ સાંસદો દ્વારા કોંગ્રેસમાં ખરડો રજૂ કરાયો છે. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવા અને સંરક્ષણ સહિતના અનેક મુદ્દે દ્વિપક્ષીય સહાય વધારવા માટે ભારતને આ સ્ટેટસ આપવું જોઈએ. આ રીતે બંને દેશોના સંબંધો વધારે ગાઢ થશે. અમેરિકાની હાઉસ ઓફ કોમન્સમાં વિદેશી બાબતોની સમિતિના વરિષ્ઠ સભ્ય એલિયટ એંજલ અને ભારત સમર્થક કોકસના ઉપાધ્યક્ષ તથા ડેમોક્રેટ નેતા જો ક્રાઉલીએ સ્પેશિયલ ગ્લોબલ પાર્ટનરશિપ વિથ ઈન્ડિયા એક્ટ ૨૦૧૬ ગૃહમાં રજૂ કર્યો હતો. આ દ્વારા તેઓ બંને દેશોના સંબંધો અને ભાગીદારી વધારવા માગે છે તેમ રજૂઆત કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter