ટોક્યોઃ વિશ્વભરના મિડલ ક્લાસનાં કારનાં સપનાંને પૂરાં કરનારા સુઝુકી મોટર કોર્પોરેશનના પૂર્વ અધ્યક્ષ ઓસામુ સુઝુકી (94)નું નિધન થયું છે. તેમણે ચાર દસકા સુધી સુઝુકી મોટરનું નેતૃત્વ કર્યું હતું. તેમનું નિધન 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે લિમ્ફોમા (એક પ્રકારના કેન્સર)ના કારણે થયું છે. જોકે આ જાણકારી પરિવારે અંતિમવિધિ પછી જાહેર કરી હતી.
જ્યારે સમગ્ર વિશ્વ મોટી કારના બજારોમાં પ્રતિસ્પર્ધા કરી રહ્યું હતું ત્યારે તેમણે નક્કી કર્યું કે તેમની કંપની મોટા પ્રતિદ્વંદ્વીઓ દ્વારા ઉપેક્ષિત નાના બજારોમાં પગદંડો જમાવશે. તેમણે પાકિસ્તાનથી હંગેરી સુધી સુઝુકી મોટરનો વિસ્તાર કર્યો હતો. જાન્યુઆરી 1981માં કંપનીએ મારુતિ સાથે મળીને ભારતમાં એન્ટ્રી મારી અને વર્ષ 1983માં મારુતિ-800 રજૂ કરી.
2021માં તેમણે 91 વર્ષની ઉમરમાં સેવાનિવૃત્તિ લીધી હતી. આ સમયે તેમને પૂછવામાં આવ્યું કે તેમનું સપનું શું છે? ત્યારે તેમણે યુવાન કર્મચારીની માફક જવાબ આપ્યો હતોઃ ‘હું નંબર-1 બનવા માગું છું.’
નાઇટ ગાર્ડ તરીકે પણ કામ કર્યું
ઓસામુનો જન્મ 30 જાન્યુઆરી, 1930ના રોજ સેન્ટ્રલ જાપાનના ગિફૂ રાજ્યના ગેરો શહેરમાં થયો હતો. તેઓ ખેડૂત પરિવારના ચોથા દીકરા હતા. કોલેજના અભ્યાસ દરમિયાન તેમણે સ્કૂલશિક્ષક અને નાઈટ ગાર્ડના રૂપે પાર્ટટાઈમ નોકરી કરી હતી. રોકાણની સાથે જ પૈસા બચાવવાનું કૌશલ્ય પણ ઓસામુ જાણતા હતા. એસીનો ખર્ચ ઘટાડવા માટે તેમણે ફેક્ટરીની છતો નીચી કરી નાખી હતી. વૃદ્ધાવસ્થામાં પણ મોટા ભાગે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા હતા.