નવી દિલ્હીઃ લદ્દાખમાં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે સેના પાછી ખેંચવાની સમજૂતીની સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની જાહેરાત બાદ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ચીન સામે ઝૂકી જવા અને ભારતીય પ્રદેશ ચીનને સોંપી દેવાના ગંભીર આરોપ મૂક્યા હતા. તેનો જવાબ આપતાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરતાં જણાવ્યું હતું કે, ચીન સાથે થયેલી સમજૂતીમાં સરકારે ભારતનો કોઈ હિસ્સો ચીનને સોંપી દીધો નથી. પેંગોંગ ત્સો વિસ્તારમાં ફિંગર-ફોર સુધી ભારતીય પ્રદેશ છે તેવી માન્યતા ખોટી છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, પેંગોંગ ત્સો ખાતે હાલ ચાલી રહેલી સેના પાછી ખેંચવાની કાર્યવાહીના સંદર્ભમાં મીડિયા અને સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવાઇ રહી છે. સંરક્ષણ પ્રધાને સંસદમાં સાચી હકીકત રજૂ કરી દીધી છે, પરંતુ મીડિયા અને સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલી ગેરમાર્ગે દોરતી માહિતીના સંદર્ભમાં સ્પષ્ટતા કરવી જરૂરી બની જાય છે. પેંગોંગ ત્સો લેક વિસ્તારમાં ફિંગર-ફોર સુધી ભારતીય પ્રદેશ છે તેવી માન્યતા ખોટી છે. ભારતના નકશા પ્રમાણેના ભારતીય પ્રદેશમાં ૧૯૬૨માં ચીને ગેરકાયદે કબજો જમાવ્યો છે તે ૪૩,૦૦૦ ચોરસ કિમીના વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ભારતની માન્યતા પ્રમાણે એલએસી ફિંગર-ફોર ખાતે નહીં પરંતુ ફિંગર-એઇટ ખાતે છે. ભારત ફિંગર-એઇટ સુધી પેટ્રોલિંગ કરવાનો પોતાનો અધિકાર માને છે. ચીન સાથે થયેલી સમજૂતીના કારણે ભારતે પોતાનો કોઈ વિસ્તાર ગુમાવ્યો નથી.