નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઈ)એ નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 405.35 કરોડની કિંમતનું 833.07 કિલોગ્રામ દાણચોરીનું સોનું જપ્ત કર્યું હતું. જપ્ત કરવામાં આવેલા દાણચોરીના સોનાનો સૌથી વધુ જથ્થો મ્યાંમાર મૂળનો છે, એટલે કે મોટાભાગનું સોનું મ્યાંમારમાં બનેલું છે, તેમ નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જાહેર કરાયેલા ‘સ્મગલિંગ ઇન ઈન્ડિયા 2021-22’ રિપોર્ટમાં જણાવાયું છે. 2019-20ની તુલનાએ આ રિપોર્ટમાં એક મોટો તફાવત જોવા મળે છે.
અગાઉ દાણચોરી મારફત ભારતમાં ઘુસાડવામાં આવતો સોનાનો મોટો હિસ્સો પશ્ચિમ એશિયામાંથી આવતો હતો તેની તુલનાએ નાણાકીય વર્ષ 2021માં પકડવામાં આવેલા રૂ. 1199.4 કરોડના મૂલ્યના સોનામાંથી 69 ટકા હિસ્સો મ્યાંમારમાં બનેલો હતો અને નાણાકીય વર્ષ 2022માં જપ્ત કરાયેલાં 405.35 કરોડના સોનામાંથી 37 ટકા હિસ્સો મ્યાંમારમાંથી હતો.
ભીંસ વધતા દાણચોરો ભૂમિ માર્ગના શરણે
રિપોર્ટમાં જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ પર તકેદારીમાં વધારો થયો છે તેના પરિણામે પશ્ચિમ એશિયાથી હવાઇ માર્ગે ભારતમાં થતી દાણચોરી હવે ભૂમિ માર્ગે થઇ રહી છે. આમ દાણચોરો ચીન-મ્યાંમાર-ભારતની બોર્ડરનો ઉપયોગ કરવા માટે મજબૂર થયા છે. રિપોર્ટ અનુસાર મણિપુર અને મિઝોરમ એ મુખ્ય રાજ્યો છે જ્યાંથી મ્યાંમારનું સોનું આવે છે. 2022માં સૌથી વધારે 21.37 ટકા દાણચોરીનું સોનું વાહનોમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. તેના પછી કુરિયર, પહેરેલાં વસ્ત્રો અને શરીરમાંથી પકડાયું છે.