ભારતમાં કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ સામે આવતાં ફફડાટ

Wednesday 04th March 2020 06:30 EST
 
 

નવી દિલ્હીઃ ચીનના વુહાનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. વિશ્વભરમાં ૫૭ દેશોમાં કોરોનાના આશરે ૮૩,૦૦૦ કેસ નોંધાયા સાથે ભારતમાં પણ આ બીમારીનાં નવા બે કેસ પોઝિટિવ આવતાં ફફડાટ ફેલાયો છે. ભારતમાં દિલ્હીમાં ૧ અને તેલંગણામાં ૧ કેસ નોંધાયો છે. જયપુર, હૈદરાબાદમાં પણ શંકાસ્પદ કેસ ધ્યાને આવતાં દર્દીઓને આઇસોલેશનમાં રખાયા છે. દિલ્હીમાં જેને કોરોનાનો ચેપ લાગ્યો છે તે થોડા દિવસ પહેલાં જ ઇટાલીથી પરત આવી છે. તે ઉપરાંત દુબઈથી પરત આવેલા તેલંગણાના યુવાનને પણ ચેપ લાગ્યાનું સામે આવ્યું છે. હાલમાં બંનેની હાલત સ્થિર છે. ભારતમાં અત્યાર સુધીમાં પાંચ કેસ સામે આવ્યા હતા તેમાંથી ૩ કેસ કેરળના હતા. ત્રણેયનું સ્વાસ્થ્ય સુધરતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. હવે નવા કેસ નોંધાતાં ફફડાટ મચી જવા પામ્યો છે.
ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને નાગરિકોને ચીન, ઇરાન, કોરિયા, સિંગાપુર અને ઇટાલી જેવા દેશોનો પ્રવાસ ટાળવા સૂચના આપી છે. ભારતના ૨૧ એરપોર્ટ, ૧૨ મુખ્ય પોર્ટ અને ૬૫ નાના પોર્ટ ઉપર યાત્રીઓનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે.
બેંગલુરુની વિદ્યાર્થિની અંકિતા કે એસે ઇટાલીની સ્થિતિ વિશે કહ્યું છે કે ભારત માટેની ટિકિટ બુક કરાવીએ છીએ તો પણ ફ્લાઇટ સતત રદ થયા કરે છે. નવી ટિકિટો મોંઘી છે. ઈટાલીમાં મોલ્સ અને દુકાનોમાં વસ્તુઓનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે. ભારત દ્વારા ઇરાનમાં પણ ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાના પ્રયાસોને ઝડપી બનાવાયા છે. અંદાજે ૩૫૦ વિદ્યાર્થીઓ અને શીખ શ્રદ્ધાળુઓ ઇરાનમાં છે. કોરોના વાઇરસથી સર્વાધિક પ્રભાવિત ચીનના વુહાન શહેરથી ૨૯મી ફેબ્રુઆરીએ ભારત લેવાયેલા ૧૧૨ લોકોના નમૂનાની તપાસ કરાઇ હતી જોકે સદનસીબે આ તમામ નમૂનાની નેગેટિવ આવ્યો, જેથી ભારતીય તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે જાપાનના દરિયા કિનારે ક્રૂઝમાં ફસાયેલા ૧૧૯ ભારતીય અને પાંચ વિદેશી નાગરિક ૨૭મી ફેબ્રુઆરીએ ભારત સરકારના ખાસ વિમાનમાં દિલ્હી પહોંચ્યા હતા. આ સાથે ચીનના વુહાન શહેરની ભારતીય વાયુસેનાનું વિમાન પણ ત્યાં ફસાયેલા ભારતીયોને લઇને દિલ્હી આવ્યું હતું. તેમાં ૭૬ ભારતીય અને ૩૬ વિદેશી નાગરિક પણ સામેલ છે. બંને વિમાનમાં લાવવામાં આવેલા ભારતીયોને થર્મલ સ્ક્રીનિંગ પછી આઇટીબીપીના છાવલા સ્થિત ઓબ્ઝર્વેશન સેન્ટરમાં રખાશે.
વિશ્વભરમાં કોરોનાના આશરે ૮૩,૦૦૦ કેસ
વિશ્વભરમાં ૫૭ દેશોમાં કોરોનાના આશરે ૮૩,૦૦૦ કેસ નોંધાઈ ચૂક્યા છે. ચીનમાં મૃત્યુ આંક ૨૮૦૦ને પાર પહોંચી ગયો છે. ચીનમાં લગભગ કોરોનાના ૭૮,૦૦૦ ઉપર દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે, જાનવરો અને તેના માંસાહારના કારણે કોરોના વાયરસ માણસમાં ફેલાઈ રહ્યો છે તેથી ચીનના વિવિધ વિસ્તારોમાં ભોજનમાં જાનવરોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવાયો છે. ચીનના શેનઝેન પ્રાંતમાં લોકો પર કૂતરા-બિલાડીનો ભોજનમાં ઉપયોગ કરવાને લઈ પ્રતિબંધ મુકાયો છે. ભવિષ્યમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવશે કે નહીં તે હજુ અસ્પષ્ટ છે. બીજી તરફ ચીન નજીકના હોંગકોંગમાં મંદીથી ઉગરવા સરકારે દરેક નાગરિકને રૂ. ૯૨ હજાર આપવાની જાહેરાત કરી છે. હોંગકોંગ સરકારે પોતાના ૭૦ લાખ સ્થાનિક રહેવાસીઓ માટે રોકડ સહાયની જાહેરાત કરી છે. પહેલેથી જ મંદી સામે લડતા અર્થતંત્રને કોરોના વાયરસથી વધુ મોટો ફટકો લાગતા આ નિર્ણય લેવાયો છે.
ચીન પછી ઈરાનમાં સૌથી વધુ કોરોનાની અસર થતી ગણાય છે. આ બીમારીથી ઈરાનમાં ૬૬થી વધુના અને ઈટાલીમાં ૩૫થી વધુના મોત થયાં છે. બ્રિટનમાં આશરે ૫૦થી વધુ કોરોનાના દર્દી નોંધાયા છે.
ઇટાલીમાં ભારતીય વિદ્યાર્થીઓ ક્વોરેન્ટાઇનમાં
ઇટાલીમાં કોરોનાના પગપેસારાથી ભયની સ્થિતિમાં લોમ્બાર્ડીમાં ૮૫ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા. તેમને ક્વોરેન્ટાઇનમાં મોકલાયા હતા. ઈટાલીમાં અત્યાર સુધીમાં ૩૫થી વધુનાં મોત થયાં છે અને ૧૭૦૦ લોકોને ચેપ લાગ્યો છે. લોમ્બાર્ડીમાં એન્જિનિયરિંગ વિભાગમાં એક નોન ટિચિંગ ફેકલ્ટીને ચેપ લાગ્યા બાદ વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
ઈરાનમાં ખુદ ઉપરાષ્ટ્રપતિ સહિત આશરે ૩૯૦થી વધુ લોકો કોરોનાથી પીડાતા હોવાનું નોંધાયું છે. સાઉથ કોરિયામાં પણ ૩૧૫ નવા કેસ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૨૩૩૭ થઈ છે.
સિંગાપોરમાં ૧૦૦, થાઈલેન્ડમાં ૪૦, મલેશિયા અને ઓસ્ટ્રેલિયામાં ૨૩ અને યુએઈમાં ૧૯ કેસ નોંધાયા છે. જાપાનમાં પણ કોરોનાના ૧ હજારથી વધુ કેસ નોંધાવાથી શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાન અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ વિવિધ ઉપકરણો અને અહેવાલોના આધારે દુનિયાભરની સરકારોની કોરોના સામે લડવાની કામગીરી પર વોચ ગોઠવી છે.
ઈથોપિયામાં રહસ્યમય બીમારીઃ શંકાની સોય ચીન તરફ
આફ્રિકી દેશ ઇથોપિયામાં એક રહસ્યમય બીમારીએ જન્મ લીધો છે. આ બીમારીથી પીડિત  લોકોનાં નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગે છે અને એ પછી તેમનું મૃત્યુ થાય છે. સ્થાનિક લોકોએ આ અજ્ઞાાત બીમારી માટે ચીની તેલ ડ્રીલિંગમાંથી નીકળતા ટોક્સિક વેસ્ટને જવાબદાર ઠેરવ્યા છે. આ બીમારી કથિત રીતે સોમાલીમાં એક ગેસ પ્રોજેક્ટ આવેલો છે તેની નજીકના ગામોમાં ફેલાઈ છે. લોકો કહે છે કે, દર્દીઓની આંખો પહેલાં પીળી થાય છે ઉપરાંત તાવ આવતાં પહેલા આખા શરીરમાં સોજા આવે છે. એ પછી તેમને નાક - મોઢામાંથી લોહી નીકળે છે અને અંતે દર્દીનું મૃત્યુ થાય છે. આ બીમારીમાં હથેળી પીળી પડવી, ભૂખ ન લાગવી, અનિંદ્રા વગેરે સામેલ છે. એક અહેવાલ પ્રમાણે ઇથોપિયાની રાજધાની અદિસ અબાબામાં બેઠેલા અધિકારીઓએ આ ક્ષેત્રમાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંકટના તમામ આરોપો નકારી દીધા છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter