નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કુલ દર્દીઓનો આંક ૧૪મી જુલાઈએ ૯૩૩૪૫૦ નોંધાયો હતો. દેશમાં કોરોનાથી મૃત્યુનો આંક ૨૪૨૮૧ નોંધાયો છે અને કોરોનામાંથી સાજા થનારાઓની સંખ્યા ૫૯૦૨૧૯ નોંધાઈ હતી. ભારતમાં કોરોનામાંથી રિકવરીનો રેટ ૬૩ ટકાથી વધુ છે. રાષ્ટ્રીય આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણેદેશમાં રિકવરી રેટ પર નજર કરીએ તો ૧૯ રાજ્યોમાં લોકોને ઝડપથી સાજા કરાયાં છે. આ ૧૯ રાજ્યોમાં રિકવરી રેટ દેશના સરેરાશ રિકવરી રેટ ૬૩.૦૨ ટકા કરતાં પણ વધુ છે. દેશમાં અગાઉ રિકવરી રેટ ૬૦ ટકાની આસપાસ હતો, એટલે જેમ જેમ કેસો વધી રહ્યા છે તેમ તેમ જે લોકોને સાજા કરાઇ રહ્યા છે તેમની સંખ્યા પણ વધી રહી છે.
રાજ્યો પર નજર કરીએ તો દિલ્હીમાં રિકવરી રેટ ૭૯.૯૮ ઉત્તરાખંડમાં ૭૮.૭૭ છત્તીસગઢમાં ૭૭.૬૮ હિમાચલમાં ૭૬.૫૯ હરિયાણામાં ૭૫.૨૫ રાજસ્થાનમાં ૭૪.૨૨ મધ્ય પ્રદેશમાં ૭૩.૦૩ ટકા છે. ગુજરાતમાં આ ટકાવારી ૬૯.૭૩ ટકા છે જે અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઓછો છે પણ ઉત્તર પ્રદેશ કરતા વધુ છે. ઉત્તર પ્રદેશમાં રિકવરી રેટ ૬૩.૯૭ ટકા છે. તામિલનાડુમાં આ રેટ ૬૪.૬૬ ટકા છે.
બીજી તરફ અનેક રાજ્યોમાં હવે ફરી લોકડાઉન જાહેર થયું છે. કર્ણાટકમાં બેંગલુરુ બાદ હવે વધુ બે જિલ્લા ધરવાડ અને દકશિના કન્નડ જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. પંજાબમાં પણ જાહેરમાં એકઠા થવા પર પ્રતિબંધ છે. આ બધા વચ્ચે રાષ્ટ્રીય આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, કોરોનાના ૧૦ ટકા કેસમાં જ ઓક્સિજન સપોર્ટની જરૂર પડે છે. આવા સંજોગોમાં ઓક્સિજનનો ધંધો રોકેટ ગતિએ વધી રહ્યો છે કે દેશના ઓક્સિજન સપ્લાયરોએ ઘરમાં જ વિશાળ બજાર હોઈ નિકાસ કરવાનું જ બંધ કરી દીધું છે. કેન્દ્ર સરકાર પણ માસ્ક, વેન્ટિલેટર, સેનિટાઈઝર દવાઓ અને ઓક્સિજનની નિકાસ નથી ઈચ્છતી.
હાલ દેશમાં કોરોનાના દર્દીઓ સહિત પાંચ લાખ મેડિકલ ઓક્સિજન સિલિન્ડર ઉપયોગમાં લેવાય છે. ગત ડિસેમ્બરમાં મેડિકલ ઓક્સિજનની ૯૦૦ ટન માંગ હતી તે હવે ૧૩૦૦ ટન પર પહોંચી ગઈ છે તેમ ઉદ્યોગ અને વેપારના પ્રમોશન વિભાગના સેક્રેટરી ગુરૂપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું છે. કોરોનાના દર્દીઓ જે ચોંકાવનારી હદે વધી રહ્યા છે તે જોઈને કેન્દ્ર સરકારે ૧ લાખ ઓક્સિજન સિલિન્ડર ખરીદ્યા છે. હવે પરિસ્થિતિ વધુ કથળી રહી છે તે જોતાં કેન્દ્ર સરકારે ઔદ્યોગિક હેતુ માટે વપરાતા પાંચ લાખ ઓક્સિજનના સિલિન્ડરને મેડિકલ હેતુ માટે રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજન રિફિલ કરવો પડે છે જ્યારે ટેપ ઓક્સિજન વાતાવરણમાંથી લઈને સંગ્રહિત કરી શકે છે.
દિલ્હીમાં પરિસ્થિતિ કથળી છે ત્યારે હજુ ગયા અઠવાડિયે જ ૧૫૦૦૦થી વધુ કોન્સન્ટ્રેર્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
અમેરિકાની એમઆઈટી યુનિવર્સિટી અને અન્ય અભ્યાસના રિપોર્ટમાં ભારતમાં જો ટેસ્ટિંગ વધે તો લાખોની સંખ્યામાં દર્દીઓ બહાર આવશે તેવી આગાહી થઈ છે તે જોતાં ઓક્સિજનની માંગને પહોંચી વળવા હોસ્પિટલોએ એવી સજ્જતા કેળવવા માંડી છે કે પ્રત્યેક બેડ ઓક્સિજન સપ્લાય સુવિધા ધરાવતા હોય છે. ઉત્તરપ્રદેશે ૪૦,૦૦૦ સિલિન્ડરની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે દ્વીપ બાલીમાં પણ કોરોનાના કારણે લોકડાઉન અમલમાં આવ્યું હતું. હવે જ્યારે બાલીને અનલોક કરવાનો સમય આવ્યો ત્યારે કારાંગાસેમમાં બે હિન્દુ મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ હતો. તેમાં હજારો લોકોએ ભાગ લઈને કોરોના ટાળવા આશીર્વાદ માંગ્યા હતા. બાલીના અર્થતંત્રનો ઘણો મોટો હિસ્સો પ્રવાસન પર નભતો હોય છે.