નવી દિલ્હીઃ કોરોનાના બીજા વેવ સામે લડી રહેલાં ભારતની ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી લઇને વેક્સિન, વેન્ટિલેટર્સથી લઇને માસ્ક જેવી જરૂરીયાતને પુરી કરવા માટે વિશ્વના દેશો આગળ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં વિશ્વના ઓછામાં ઓછા ૧૭ દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા છે અને તેમાં પડોશી દેશોથી લઇને વિશ્વના સુપર પાવર દેશોનો સમાવેશ થાય છે.
કેનેડાએ મેડિકલ સાધનોની ખરીદી માટે ભારતીય રેડક્રોસને એક કરોડ ડોલરનું ભંડોળ ફાળવ્યું છે તો સિંગાપોરે તત્કાળ ૨૫૬ ઓક્સિજન સિલિન્ડર ભરેલાં બે વિમાન ભારતને મોકલી આપ્યા છે. સત્તાવાર નિવેદન અનુસાર ભારતીય એરફોર્સના સી-૧૭ વિમાનને ત્રણ ઓક્સિજન કન્ટેનર લાવવા માટે સિંગાપોર મોકલી દેવામાં આવ્યું છે. જ્યારે ભુટાન ભારત માટે ઓક્સિજન સપ્લાઇ કરી રહ્યું છે. અમેરિકા કદાચ આગામી મહિને અસ્ટ્રાઝેનેકા વેક્સિનને પણ ભારત સાથે શેર કરી શકે છે.
સાઉથ કોરિયા પણ ભારતની મદદે આવી ગયું છે, તે જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટ્સની સપ્લાઇ કરશે. જે દેશો ભારતને આ મુશ્કેલીની ઘડીમાં મદદ મોકલી રહ્યા છે તેમાં અન્ય દેશોની સાથે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, આયરલેન્ડ, બેલ્જિયમ, રોમાનીયા, લક્સમબર્ગ, પોર્ટુગલ, સ્વીડન, ઓસ્ટ્રેલિયા, ભુટાન, સિંગાપોર, સાઉદી અરબ, હોંગકોંગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ અને યુએઇનો સમાવેશ થાય છે.
અમેરિકા ભારતને વેક્સિનની મશીનરી આપશેઃ બાઇડેન
અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં જણાવ્યું હતું કે અમે ભારતને તત્કાળ જરૂરી તમામ મદદ પહોંચાડવા ઝડપી પ્રયાસો કરી રહ્યા છીએ. જેમાં રેમડેસિવિર અને અન્ય દવાઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન બનાવવા માટે જરૂરી મશીનરી માટે વાસ્તવિક મિકેનિકલ પાર્ટ્સ મોકલી રહ્યા છીએ. તેમણે ઉમેર્યું હતું કે વડા પ્રધાન મોદી સાથેની વાતચીત દરમિયાન અમેરિકા ક્યારે વાસ્તવમાં વેક્સિન સપ્લાઇ કરી શકશે તેની ચર્ચા કરવામાં આવી હતી.
યુનિસેફે ભારતમાં ૩૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા
નવી દિલ્હીઃ યુનાઇટેડ નેશન્સની એજન્સી યુનિસેફે કોવિડ-૧૯ મહામારીના સેકન્ડ વેવમાં ભારતને મદદ કરવા માટે ૩૦૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ટેસ્ટિંગ કિટ અને અન્ય ઉપકરણો સહિત મહત્ત્વની લાઈફ સેવિંગ સપ્લાઈઝ મોકલી છે. યુનિસેફનું કહેવું છે કે અમે તમામ ઉંમરના લોકોને રસી આપવામાં ભારત સરકારના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમને ગતિ આપવામાં મદદ કરી રહ્યાં છીએ.
યુનિસેફના વડાએ એમ પણ કહ્યું કે, કોવિડ-૧૯ની ભયાનક પરિસ્થિતિમાં અમે ભારત સરાકરની સાથે ઊભા છીએ. તેમજ સંયુક્ત રાષ્ટ્ર ભારત પ્રત્યે પોતાનો સહયોગ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. યુનિસેફ પૂર્વોત્તર ભારતના રાજ્યો અને મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં ૨૫ ઓક્સિજન કન્સન્ટ્રેટરની ખરીદી અને સ્થાપના કરવામાં મદદ કરી રહ્યું છે.