નવીદિલ્હીઃ ઈન્ટરનેશનલ નોનગવર્નમેન્ટ ઓર્ગેનાઈઝેશન ટ્રાન્સ્પરન્સીએ તાજેતરમાં એક રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અહેવાલ પ્રમાણે ભારતમાં ભ્રષ્ટાચારના આંકડાઓમાં વધારો થયો છે. ૨૦૧૭માં ૧૮૦ દેશમાં ભારતનું સ્થાન એટલે કે રેન્ક વધીને ૮૧મો થઈ ગયો છે. આમ ૨૦૧૬ની સરખામણીમાં દેશમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે. રિપોર્ટ મુજબ ભારતનાં સરકારી ક્ષેત્રની છબી ભ્રષ્ટાચારની બાબતમાં દુનિયામાં હજી ખરાબ છે.
સંસ્થાના તાજા રિપોર્ટ ગ્લોબલ કરપ્શન ઇન્ડેક્સ ૨૦૧૭માં ભારતનો રેન્ક ૮૧મો છે. ૨૦૧૬માં આ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક ૮૦મો હતો. આમ તે બે પોઈન્ટ વધી ગયો હતો. ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકારોને એક મજબૂત સંદેશ આપવાના હેતુથી ૧૯૯૫માં આ સૂચકાંક શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૮૦ દેશોમાં લાંચરુશવત અને ભ્રષ્ટાચારની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વિશ્લેષકો, વેપારીઓ અને વિશેષજ્ઞોનાં મૂલ્યાંકન અને અનુભવોને આધારે આ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે. ૨૦૧૭ના ઇન્ડેક્સમાં સૌથી ઓછા ભ્રષ્ટાચાર સાથે ન્યુઝીલેન્ડ અને ડેનમાર્ક ક્લીન દેશોની લિસ્ટમાં ટોપર છે. જ્યારે સિરિયા, સાઉથ સુદાન અને સોમાલિયા લિસ્ટમાં સૌથી પાછળ છે. ભારત કરતાં પાડોશી દેશો ચીન અને ભૂતાનમાં ઓછો ભ્રષ્ટાચાર છે. રિપોર્ટમાં ટાંકવામાં આવ્યો છે કે કોઇ પણ દેશમાં વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં આવે. અને આ માત્ર પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ દ્વારા જ થઇ શકે છે.