વોર્સોઃ પોલેન્ડનાં પ્રવાસે ગયેલા ભારતનાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે ભારતની ડિજિટલ ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારતમાં દરરોજ યુરોપિયન યુનિયનની વસ્તી જેટલા યુપીઆઇ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે.
આ પછી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતમાં ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચરની સફળતાનો ચિતાર આપતી પોસ્ટ કરી હતી. જેમાં એવું દર્શાવાયું હતું કે, ઇયુની વસ્તી 448 મિલિયન છે જ્યારે ભારતમાં દરરોજ થતા યુપીઆઇ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 466 મિલિયન છે. ભારતમાં ઓગસ્ટમાં છેલ્લા 20 દિવસમાં જ 9840.14 મિલિયન યુપીઆઇ ટ્રાન્ઝેક્શન થવા પામ્યા છે, જે ભારતમાં કેશલેસ નાણાકીય વ્યવહારોનાં વધતા જતા મહત્વનો નિર્દેશ કરે છે. દેશની ઈકોનોમી માટે મહત્વની એવી યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઇ) સિસ્ટમને દેશમાં ઝડપથી અપનાવવામાં આવી છે. એનપીસીઆઇ દ્વારા જણાવાયું છે કે દેશમાં યુપીઆઇ પેમેન્ટમાં વાર્ષિક ધોરણે 45 ટકાનો ગ્રોથ થયો છે અને કુલ રૂ. 20.64 ટ્રિલિયન મૂલ્યનાં વ્યવહારો નોંધાયા છે.