નવી દિલ્હીઃ દુનિયાભરના 50 કરોડ બૌદ્ધ અનુયાયીઓને આકર્ષવા માટે પ્રવાસન મંત્રાલયે તેમની નીતિમાં મોટા ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી છે. તે અંતર્ગત ભારતના બૌદ્ધ સ્થળોને ધ્યાનમાં રાખીને એક બૌદ્ધ સર્કિટ વિકાસાવાશે. તેથી બૌદ્ધ શ્રદ્ધાળુઓ ચાર્ટર્ડ વિમાનોમાં દેશના આ તમામ સ્થળોએ પણ જઈ શકશે. હાલ ભારતીય ચાર્ટર વિમાનોના નિયમો પ્રમાણે, તેમને ફક્ત ગંતવ્ય સ્થળે આવવાની મંજૂરી છે. નવી યોજના તળે, હવે બૌદ્ધ પ્રભુત્વ ધરાવતા દેશો - ચીન, જાપાન, થાઈલેન્ડ અને મ્યાંમારથી ભારતીય બુદ્ધ સર્કિટ ધરાવતા સ્થળોએ સીધી એરલાઈન કનેક્ટિવિટી આપવાનું નક્કી કરાયું છે. બૌદ્ધ સર્કિટની યાત્રા માટે લક્ઝરી-પ્રીમિયમ ટ્રેનો પણ શરૂ થશે. આ ઉપરાંત બૌદ્ધ સ્મારકો, મંદિરો, શિલાલેખ અને સ્તંભ લેખોના સ્થળોએ પણ ચાઈનીઝ ભાષા મેન્ડેરિન, કેન્ટોનિઝ તેમજ જાપાની અને થાઈ ભાષાઓમાં માહિતી આપતા બોર્ડ મૂકાશે.
સૂચિત યોજના હેઠળ ચીન, જાપાન અને થાઈલેન્ડની બેન્કો સાથે ટાઇઅપ કરીને બૌદ્ધ સ્થળોએ તેમના એટીએમ મૂકવા અંગે પણ વાતચીત થઈ રહી છે. દુનિયાભરમાં બૌદ્ધ ધર્મના 50 કરોડ અનુયાયી છે, પરંતુ દેશમાં કુલ વિદેશી પ્રવાસીઓમાં બૌદ્ધપ્રભુત્વ ધરાવતા પ્રવાસીઓનો હિસ્સો ફક્ત 0.005 ટકા છે. બૌદ્ધનું ફક્ત જન્મ સ્થળ નેપાળના લુમ્બિનીમાં છે. આ સિવાય તેમના જીવન સાથે સંકળાયેલા તમામ સ્થળ ભારતમાં છે. પછી તે બૌદ્ધની જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ બોધગયા હોય કે પહેલું ઉપદેશ સ્થળ સારનાથ, પરિનિર્વાણ સ્થળ કુશીનગર, સૌથી વધુ સમય સુધી ઉપદેશ આપ્યું હોય એવું સ્થળ શ્રાવસ્તી કે પછી રાજગીર કે વૈશાલી હોય, જ્યાં બુદ્ધની વાણીના ચમત્કાર જોવા મળ્યા હતા.