બેઇજિંગઃ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી ભારત સાથેના સંબંધો નહીં સુધરે ત્યાં સુધી પાકિસ્તાનની આર્થિક સમૃદ્ધિમાં વધારો નહીં થાય. બેલ્ટ એન્ડ રોડ ફોરમ (બીઆરએફ)માં ભાગ લેવા ચીન આવેલા ઇમરાને ચાઇના ઇન્ટરનેશનલ કલ્ચરલ કમ્યુનિકેશન સેન્ટરને સંબોધતાં કહ્યું કે, એશિયાના આ પ્રદેશમાં જ્યાં સુધી શાંતિ અને સ્થિરતા નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન માટે આર્થિક સમૃદ્ધિ મુશ્કેલ છે. ભારત સાથેના અમારા સંબંધો હાલમાં તણાવગ્રસ્ત છે. ભારતમાં હાલમાં લોકસભાની ચૂંટણીઓ થઈ રહી છે. એ પૂરી થયા બાદ ભારત સાથેના સંબંધો સામાન્ય થવાની મારી ધારણા છે.
પુનિત-ઇમરાનની બેઠક નહીં
ચીનમાં યોજાયેલી વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટની બેઠકમાં ઈમરાનની ભારે અવગણના પછી પાકિસ્તાન મીડિયાએ ૨૯મી એપ્રિલે રશિયન પ્રમુખ પુતિન સાથે મિટિંગ કરવામાં નિષ્ફળ નીવડેલા ઈમરાન ખાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
તેમાં ૩૭ દેશોના વડા હાજર રહ્યા હતા અને કુલ ૧૦૦ દેશોના પ્રતિનિધિ હાજર હતા. જેમાં સતત ઈમરાનની અવગણના થઈ હતી. ઈમરાનનું સ્વાગત કરવા શી જિનપિંગના કોઈ ઉચ્ચ અધિકારીઓ આવ્યા ન હતા અને બેઈજિંગના ડેપ્યુટી મેયરને મોકલ્યા તેની પાકિસ્તાનના મીડિયાએ ભારે ઝાટકણી કાઢીને ઈમરાનની વિદેશ નીતિને એના માટે જવાબદાર ગણાવી હતી.
ચીને ઈમરાનને ભાવ ન આપ્યો
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ભારતના બહિષ્કાર વચ્ચે ચીનમાં વન બેલ્ટ વન પ્રોજેક્ટની બેઠક મળી હતી. ૨૭મીએ ઇમરાન બેઇજિંગ પહોંચ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે ચીનનો કોઇ મોટો અધિકાર પહોંચ્યો ન હતો અને બેઇજિંગની મ્યુનિસિપલ કમિટીના ડેપ્યુટી સેક્રેટરી જનરલ લી લિફેંગ પહોંચ્યાં હતાં. તેમની સાથે પાકિસ્તાનમાં ચીનના રાજદૂત યાઓ જિંગ અને ચીનમાં પાકિસ્તાની રાજદૂત મસૂદ ખાલિક હાજર હતા. ઈમરાનનું સ્વાગત ઉચ્ચ હોદ્દેદારે નહીં કરતાં અનેક અટકળો સાથે વિવાદ સર્જાયો હતો.