જમ્મુ-કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ઉરીમાં થયેલા આતંકી હુમલામાં ના-પાક પાકિસ્તાનનો હાથ હોવાના નક્કર પુરાવા મળ્યા છે. અમેરિકા, રશિયા, અફઘાનિસ્તાન સહિતના દેશોએ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ભારતની પડખે ઊભા રહીને પાકિસ્તાનને લાલ આંખ બતાવી છે. બીજી તરફ, યુનાઇટેડ નેશન્સ (યુએન) મહાસભાને સંબોધતા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ પોતાનો દેશ જ આતંકવાદથી પીડિત હોવાનો ખોખલો દાવો તો કર્યો, પણ ઘરઆંગણે ઉછરી રહેલા આતંકવાદ વિશે એક અક્ષર સુદ્ધાં ન બોલ્યાં. છેલ્લાં ૨૬ વર્ષમાં ભારતીય સેના પરનો સૌથી મોટો અને છેલ્લા એક દસકાનો સૌથી ભીષણ આતંકી હુમલો કરનારા આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ નવાઝ શરીફે આતંકવાદી બુરહાન વાણીને બિરદાવતાં તેને કાશ્મીરી યુવા પેઢીનો લીડર ગણાવ્યો છે. તેમના આ વલણે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો અસલી ચહેરો ખુલ્લો પાડી દીધો છે.
કાશ્મીર મુદ્દે ભારતને સલાહ-સૂચનો આપનારા નવાઝ શરીફ (બદઇરાદાપૂર્વક) એ વાત જોવા-સમજવા તૈયાર જ નથી કે હાફિઝ સઇદ ક્યારેક ઇસ્લામાબાદની ધરતી પરથી તો ક્યારેક લાહોરની ધરતી પરથી આતંકી પ્રવૃત્તિઓ ચલાવીને ભારતને ખુલ્લેઆમ ચેતવણી આપીને ઝેર ઓકતો રહે છે. સઇદની સાથે મૌલાના મસૂદ અઝહર અને સલાહુદ્દીન સહિતના ઘણા આતંકીઓને આશરો આપનારો પાકિસ્તાન પોતે માનવા તૈયાર નથી કે તે પોતે દુનિયાભરના આતંકવાદીઓને સમાવીને બેઠો છે.
સાઉથ એશિયાના ટેરરિઝમ પોર્ટલના એક અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનની ધરતી પર અત્યારે ૩૫ જેટલાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. એટલું જ નહીં, ઘણાં આતંકી સંગઠનોનો તો કોઇ રેકોર્ડ જ નથી. દુનિયાની નજરે નહીં ચઢેલા, આવા આતંકી સંગઠનોની વાત કરવામાં આવે તો આ આંકડો ૫૦ને પણ પાર કરી જાય તેમ છે.
આતંકવાદના અજગરને પાળી-પોષીને છાવરી રહેલો પાકિસ્તાન ભારત માટે સૌથી મોટી મુશ્કેલી બનીને બેઠો છે. ક્યારેક પઠાણકોટ, ક્યારેક ઉધમપુર તો ક્યારેક ઉરી જેવા હુમલા કરીને ભારતનૈ ધૈર્યની પરીક્ષા લઇ રહેલા પાકિસ્તાનને કેવી રીતે પાઠ ભણાવવો તે માટે રાષ્ટ્રીય સ્તરે ચર્ચા-વિચારણા ચાલી રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની સક્રિયતાને જોતાં તેને પાકિસ્તાનની જગ્યાએ આતંકીસ્તાન કહેવો વધારે યોગ્ય રહેશે!
પાકિસ્તાનમાં સક્રિય આતંકી સંગઠન
• હરકત ઉલ મુઝાહિદ્દીન
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ ૧૯૮૫માં હૂઝી સાથે મળીને હરકત ઉલ અંસાર બન્યું. અમેરિકાએ પ્રતિબંધ લાદતાં જૂનાં નામથી સક્રિય થયું છે. સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે.
ભારત પર અસરઃ ડિસેમ્બર ૧૯૯૯માં ઇન્ડિયન એરલાઇન્સનાં વિમાન આઈસી ૮૧૪ને હાઇજેક કરીને મૌલાના મસૂદ અઝહર અને ઉમર સઇદ શેખને છોડાવ્યા.
• હિઝબુલ મુઝાહિદ્દીન
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરના મુઝફફરાબાદમાં ૧૯૮૯માં અસ્તિત્વમાં આવેલા સંગઠનનો વડો સૈયદ સલાહુદ્દીન છે.
ભારત પર અસરઃ જમ્મુ-કાશ્મીરમાં સૌથી સક્રિય આતંકી સંગઠનોમાંનું એક. હાલ ભારતમાં પ્રતિબંધિત સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ્સ ઓફ ઇંડિયા (સીમી) હિઝબુલ સાથે જોડાયેલું હોવાની આશંકા છે.
• લશ્કર-એ-તોઇબા
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ અફઘાનિસ્તાનમાં ૧૯૮૭માં અસ્તિત્વમાં આવેલા આ સંગઠનનો વડો હાફિઝ સઇદ છે. હવે પાકિસ્તાનના લાહોરમાં બેઠાં બેઠાં તે આતંકવાદને ફેલાવે છે. પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં અનેક આતંકી છાવણીઓ ચલાવીને ત્રાસવાદીઓને (ભારતમાં) આતંક ફેલાવવાની તાલીમ આપે છે.
ભારત પર અસરઃ કાશ્મીર પ્રદેશને ભારતથી છૂટો પાડવાનું મુખ્ય ધ્યેય. ભારતના ઘણા આતંકી હુમલામાં તેની સંડોવણી હોવાનું પુરવાર થયું છે. વર્ષ ૨૦૦૦માં દિલ્હી પર અને ૨૦૦૧માં શ્રીનગરનાં એરપોર્ટ પર હુમલો. આ ઉપરાંત ૨૦૦૮ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં પણ તેની સંડોવણી છતી થઇ છે.
• જૈશ-એ-મોહમ્મદ
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ વર્ષ ૨૦૦૨માં અસ્તિત્વમાં આવેલા આ સંગઠનનો દોરીસંચાર મૌલાના મસૂદ અઝહર દ્વારા થાય છે. મસૂદ અઝહરે આઇએસઆઇ, તાલિબાન અને ઓસામા બિન લાદેનની મદદથી કરાચીમાં વડું મથક બનાવ્યું.
ભારત પર અસરઃ ૨૦૦૧માં ભારતીય સંસદ પર થયેલા આત્મઘાતી આતંકવાદી હુમલા માટે જવાબદાર. જમ્મુ-કાશ્મીરમાં સક્રિય આ સંગઠન પઠાણકોટ એરબેઝ અને ઉરીમાં લશ્કરી છાવણી પર થયેલા હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.
• હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામી (હૂજી)
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ જાણકારી ઉપલબ્ધ નથી. એક બિનસત્તાવાર અહેવાલ અનુસાર, મોહમ્મદ અમઝદ આ સંગઠનનું નેતૃત્વ કરે છે.
ભારત પર અસરઃ જમ્મુ-કાશ્મીર પ્રદેશને ભારતથી અલગ કરવાનો બદઇરાદો ધરાવે છે. દેશના દરેક ભાગમાં ઇસ્લામિક કાયદો લાગુ કરાવવાના પક્ષમાં છે.
• અલ બદ્ર
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ ૧૯૮૮માં અસ્તિત્વમાં આવેલા આ આતંકી સંગઠનનો ચીફ કમાન્ડર બખ્ત જમીન છે. પાકિસ્તાનના મંસેરામાં મુખ્ય મથક ધરાવતા આતંકી સંગઠનમાં લગભગ ૨૦૦ સભ્યો છે.
ભારત પર અસરઃ જમ્મુ-કાશ્મીરમાં થતી આતંકી પ્રવૃત્તિઓમાં તેની સંડોવણી છે.
• જમિયત-ઉલ-મુઝાહિદ્દીન
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ સંગઠન ક્યારે બન્યું તેની જાણકારી પ્રાપ્ત નથી. ખતરનાક આતંકી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનમાંથી છૂટું પડેલું આ જૂથ હવે મોહમ્મદ સાલાહ સાથે સંકળાયેલું છે.
ભારત પર અસરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવામાં શરૂઆતના ગાળામાં ખૂબ સક્રિય જોવા મળતું હતું. જોકે અત્યારે તે સક્રિય જણાતું નથી.
• લશ્કર-એ-જબ્બાર
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ વર્ષ ૨૦૦૧માં સ્થપાયેલા આ આતંકવાદી સંગઠનના પ્રમુખની જાણકારી મળતી નથી.
ભારત પર અસરઃ આ સંગઠનો જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક ડ્રેસકોડ અમલ કરવાના પ્રયાસ કર્યા હતા. જોકે તેનો ઇરાદો પાર પડ્યો નહોતો.
• મુત્તાહિદા જેહાદ કાઉન્સિલ
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ સન ૧૯૯૦માં અનેક આતંકવાદી સંગઠનોએ હાથ મિલાવીને આ જૂથ રચ્યું છે. સૈયદ સલાહુદ્દીનના નેતૃત્વમાં સક્રિય આ સંગઠનનું વડું મથક પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર છે.
ભારત પર અસરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનોને મદદ કરવી તેમજ જાહેર સ્થળોએ આતંકી સંગઠનોને આગળ આવવા માટે સુવિધાઓ પૂરી પાડવી.
• તહરિક-ઉલ-મુઝાહિદ્દીન
ક્યારે અસ્તિત્વમાં આવ્યું?ઃ વર્ષ ૧૯૯૦માં અસ્તિત્વમાં આવેલા આ સંગઠનનો વડો શેખ જમીન ઉર્હમાન છે. પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાંથી તેનું સંચાલન થાય છે.
ભારત પર અસરઃ કાશ્મીર ઘાટીમાં આઈએસઆઈએસની મદદથી સક્રિય છે.
અન્ય દેશોમાં સક્રિય પાકિસ્તાનના અન્ય આતંકી સંગઠનો
તહરિક-એ-તાલિબાન, અલ જેહાદ, જમ્મુ-કાશ્મીર નેશનલ લિબરેશન ઓફ આર્મી, પીપલ્સ લીગ, મુસ્લિમ જાંબાઝ ફોર્સ, કાશ્મીર જેહાદ ફોર્સ, અલ-ઉમર-મુઝાહિદ્દીન, મહજ-એ-આઝાદી, ઇસ્લામી-એ-તુલ્બા, જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ લિબરેશન ફ્રન્ટ, ઇખ્વાન-ઉલ-મુઝાહિદ્દીન, ઇસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ, તહરિક-એ-હુર્રિયત કાશ્મીર, તહરિક-એ-નિફાઝ-એ-ફિકર-જાફરિયા, અલ મુસ્તફા લિબરેશન ફાઇટર્સ, તહરિક-એ-જેહાદ ઇસ્લામી, મુસ્લિમ મુઝાહિદ્દીન, અલ મુઝાહિદ ફોર્સ, તહરિક-એ-જેહાદ, ઇસ્લામી ઇન્કલાબી મહજ