નવી દિલ્હીઃ કોરોના મહામારીના કપરા કાળમાં અનેક દેશો આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે ત્યારે ભારતમાં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)નો પ્રવાહ અવિરત ચાલુ છે. દેશમાં ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ દરમિયાન વિદેશી સીધું રોકાણ ૧૦ ટકા ઊછળીને ૮૧.૭૨ બિલિયન ડોલરની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયું છે.
દેશમાં સૌથી વધારે રોકાણ ગુજરાતમાં નોંધાયું હતું. કુલ એફડીઆઈમાં ગુજરાતનો હિસ્સો ૩૭ ટકા હતો. ૨૭ ટકા હિસ્સા સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે અને ૧૩ ટકા હિસ્સા સાથે કર્ણાટક ત્રીજા ક્રમ પર છે. દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો ૭૮ ટકા હિસ્સો એકલા ગુજરાતમાં આવ્યો હોવાની બાબત ઉલ્લેખનીય છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ઈક્વિટી, રિ-ઇન્વેસ્ટેડ અર્નિંગ્સ અને કેપિટલ સહિતનું કુલ એફડીઆઈ ૧૦ ટકા વધીને અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધારે ૮૧.૭૨ બિલિયન ડોલર નોંધાયું છે, જે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૭૪.૩૯ બિલિયન ડોલર નોંધાયું હતું.
૨૦૨૦-૨૧ દરમિયાન ઇક્વિટીમાં એફડીઆઈનો ઇનફ્લો ૧૯ ટકા ઊછળીને ૫૯.૬૪ બિલિયન ડોલર નોંધાયો હતો,
જે આગલા નાણાકીય વર્ષમાં ૪૯.૯૮ બિલિયન ડોલર નોંધાયો હતો.
વિદેશી મૂડીરોકાણ
૨૦૧૯-૨૦માં મહારાષ્ટ્ર ૩૦ ટકા સાથે ટોચના સ્થાને જ્યારે ૧૮ અને ૧૭ ટકા સાથે કર્ણાટક બીજા અને દિલ્હી ત્રીજા સ્થાને હતા.
સિંગાપોર ટોચનું રોકાણકાર, અમેરિકા બીજા ક્રમે
પાછલા નાણાકીય વર્ષમાં ટોચના રોકાણકાર દેશોના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં આવેલા કુલ એફડીઆઈમાં ૨૯ ટકા હિસ્સા સાથે સિંગાપોર ટોચનો રોકાણકાર દેશ હતો. તેના પછી અમેરિકા ૨૩ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે હતું અને નવ ટકા હિસ્સા સાથે મોરેશિયસ ત્રીજા ક્રમ પર છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે એફડીઆઈમાં સતત વધારો થઇ રહ્યો છે તે દર્શાવે છે કે વૈશ્વિક રોકાણકારોમાં ભારતે એક પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન તરીકેનો દરજ્જો મેળવી લીધો છે.
નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પણ ટોચના વિદેશી રોકાણકાર દેશોમાં નંબર એક પર ૧૪.૬૭ બિલિયન ડોલરના રોકાણ સાથે સિંગાપોર જ હતું. જોકે બીજા સ્થાન પર ૮.૨૪ બિલિયન ડોલરના રોકાણ સાથે મોરેશિયસ હતું જ્યારે ત્રીજા સ્થાન પર ૬.૫ બિલિયન ડોલરના રોકાણ સાથે નેધરલેન્ડ અને ૪.૨૨ બિલિયન ડોલરના રોકાણ સાથે ચોથા સ્થાન પર અમેરિકા નોંધાયું હતું. તેના પછી કેમનઆઈલેન્ડ, જાપાન અને ફ્રાન્સનો ક્રમ હતો.
સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં સૌથી વધારે
પાછલા નાણાકીય વર્ષ દરમિયાન એફડીઆઈના કુલ પ્રવાહમાં આશરે ૪૪ ટકા હિસ્સા સાથે દેશના સોફ્ટવેર અને હાર્ડવેર સેક્ટરમાં સૌથી વધારે વિદેશી મૂડીરોકાણ નોંધાયું હતું. તેના પછી ૧૩ ટકા હિસ્સા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો બીજો ક્રમ હતો અને આઠ ટકા હિસ્સા સાથે સર્વિસ સેક્ટરનો ત્રીજો ક્રમ હતો.