નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કહેર વચ્ચે આરોગ્ય મંત્રાલયે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે, જે પહેલી ડિસેમ્બર - બુધવારથી અમલી બની ગઇ છે. તેમાં તમામ કોરોના પ્રોટોકોલના પાલન ઉપરાંત, જોખમી દેશોમાંથી આવતા પ્રવાસીઓએ તેમના ટેસ્ટના પરિણામ સુધી તેમના ગંતવ્ય સ્થાને જવા માટે રાહ જોવી પડશે. જો રિપોર્ટ નેગેટિવ આવશે તો સાત દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે. આઠમા દિવસે ફરી ટેસ્ટ કરાશે અને જો નેગેટિવ આવે તો પછીના સાત દિવસ સુધી પ્રવાસીએ પોતે જાત-પરીક્ષણ કરવું પડશે.
નવી ગાઈડલાઈન મુજબ તમામ પ્રવાસીઓએ પ્રવાસ શરૂ કરતા પહેલાં એર સુવિધા પોર્ટલ પર જાતે પ્રમાણિત કરેલું ડેક્લેરેશન તથા છેલ્લા ૧૪ દિવસના પ્રવાસની વિગત આપવી પડશે. પ્રવાસ પહેલા ૭૨ કલાક પહેલાંનું કોવિડ-૧૯ RT-PCR રિપોર્ટ પણ પોર્ટલ પર મૂકવો પડશે. પાંચ વર્ષથી નીચેના બાળકને મુક્તિ આપવામાં આવી છે. જોકે બાળક સિમ્પ્ટોમેટિક જણાશે તો તેણે નિશ્ચિત પ્રોટોકોલને અનુસરવો પડશે.
જોખમી દેશ સિવાયના દેશોમાંથી આવતા પ્રવાસીએ ૧૪ દિવસ સુધી તેમના આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. તમામ પ્રવાસીઓનું એરપોર્ટ ખાતે રેન્ડમ ચેકિંગ કરાશે, તેનો ખર્ચ નાગરિક ઉડ્ડયન મંત્રાલય ભોગવશે.
વિશ્વ માટે ચિંતાનું કારણ બની ગયેલા નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને રવિવારે ગૃહ સચિવની અધ્યક્ષતામાં એક ઈમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઓમિક્રોન વેરિઅન્ટને ટાળવા તેમજ સલામતી ધોરણો વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ ફ્લાઇટ અંગે પુનઃ સમીક્ષા
બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની તારીખની સમીક્ષા કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે સરકાર વિદેશથી આવતા મુસાફરોની સ્ક્રીનિંગ અને દેખરેખ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની પણ સમીક્ષા કરશે.
દરમિયાનમાં કેન્દ્ર સરકારે નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમણ ન વધે તે માટે રાજ્યોને તકેદારીનાં તમામ પગલાં લેવા તાકીદ કરી છે. ટેસ્ટિંગ તેમજ આઈસોલેશન વધારવા આદેશ આપ્યા છે. સરકાર આ વખતે કોઈ નરમાઈ રાખવા માગતી નથી. કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને આઈસોલેશન તેમજ ક્વોરન્ટાઇનનાં કડકમાં કડક પગલાં લેવા ફરમાન કર્યું છે.
આરોગ્ય મંત્રાલયની નવી ગાઇડલાઇન
• જોખમી દેશોમાં યુકે સહિત સમગ્ર યુરોપ, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, ન્યૂઝીલેન્ડ, મોરેશિયસ, ઝિમ્બાબ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.
• એરપોર્ટ પર રેન્ડમ ચેકિંગ કરાશે, જો નેગેટિવ આવશે તો સાત દિવસ ક્વોરન્ટાઇન, આઠમા દિવસે ફરી ટેસ્ટ કરાશે અને જો નેગેટિવ આવશે તો ફરી ક્વોરન્ટાઇન કરાશે. ટેસ્ટનો ખર્ચ સરકાર ભોગવશે.
• સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે અને એરપોર્ટ પર બતાવવાનું રહેશે. ૭૨ કલાક દરમિયાનનો નેગેટિવ RT-PCR રિપોર્ટ આપવો પડશે.
• અન્ય દેશોમાંથી આવતા પ્રવાસીઓએ પણ ૧૪ દિવસ સુધી પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લા ૧૪ દિવસના પ્રવાસની વિગત આપવી પડશે.