ભારતમાં હવે ટેમ્પરરી કંઈ નથી રહ્યું, જે હતું એ કાઢી નાખ્યું, ૭૦ વર્ષ લાગ્યાઃ મોદી

Wednesday 28th August 2019 05:53 EDT
 
 

પેરિસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઇશારામાં ઉલ્લેખ કરી કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું - ભારતમાં હવે ટેમ્પરરી કંઈ નથી રહ્યું, જે ટેમ્પરરી હતું તે અમે કાઢી નાખ્યું. તેને કાઢવામાં ૭૦ વર્ષ લાગી ગયા. આના પર હસું કે પછી રડવું?
માત્ર ૭૫ દિવસમાં અમારી સરકારે ઘણા મહત્ત્વના નિર્ણયો લીધા છે. આમ કહીને વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે આજે ભારત નવા માર્ગે ચાલી નીકળ્યું છે. આજનો દિવસ ફ્રાન્સ સાથે દોસ્તીના નામે છે. સાથીઓ, સારી મિત્રતાનો અર્થ એ છે કે સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપવો, પછી ભલે પરિસ્થિતિ ગમે તે હોય. ભારત-ફ્રાન્સની મિત્રતા નવી નથી, વર્ષો જૂની છે. એવો કોઈ કિસ્સો નહીં હોય કે જ્યારે બન્ને દેશોએ એકબીજાનું સમર્થન ન કર્યું હોય કે એકબીજા સાથે કામ ન કર્યું હોય.

કાશ્મીર મુદ્દે હસ્તક્ષેપની જરૂર નથીઃ મૈક્રોં

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મૈક્રોંએ સાફ શબ્દોમાં કહ્યું કે કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ કે ત્યાં હિંસા વધારવાની વાત ન કરવી જોઈએ. આ ભારત-પાકિસ્તાનનો પરસ્પરનો મામલો છે. ફ્રાન્સ આવતા મહિનાથી ભારતને રાફેલ વિમાન આપવાની શરૂઆત કરશે એ વાતનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

મોદી ૧૫ નેતાઓને મળ્યા, ૩ સાથે દ્વિપક્ષીય મંત્રણા

ફ્રાન્સના યજમાનપદે યોજાયેલી ૪૫મી જી-૭ સમિટના અંતિમ દિવસે વડા પ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત દુનિયાના ૧૫ નેતાઓ સાથે બેઠક કરી હતી. ત્રણ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. સમિટના એક સેશનને પણ સંબોધ્યું હતું. અગાઉ મોદી સમિટમાં પહોંચ્યા ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુલ મેક્રોએ સ્વાગત કર્યું હતું.
વડા પ્રધાન મોદીએ યુએન મહાસચિવ એન્ટોનિયો ગ્યુરેત્સ અને બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે વાતચીત કરી હતી. આ પછી તેઓ જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો વગેરે સાથે મુલાકાત કરી હતી.
વડા પ્રધાને ટ્વિટ પણ કર્યું હતું કે યુએન મહાસચિવ સાથે વાતચીત શાનદાર રહી. તેમની સાથે અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા થઈ. અમે જળવાયુ પરિવર્તન રોકવાના પ્રયાસોને પણ ઝડપી બનાવવા અંગે ચર્ચા કરી.

૩૭૦ હટાવ્યા બાદ પહેલી વાર...

કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ જી-૭માં વડા પ્રધાન મોદીએ દુનિયાના ટોચના નેતાઓ સાથે પહેલી વાર મુલાકાત કરી હતી. મોદીએ આ નેતાઓને કાશ્મીર મુદ્દે ભારતનું વલણ જણાવ્યું. પરિણામ એ આવ્યું કે કાશ્મીર મુદ્દે સમિટને એજન્ડાથી બહાર રખાયું. જી-૭ સમિટમાં દુનિયાના ૨૦ દેશોના રાષ્ટ્રાધ્યક્ષે હાજરી આપી હતી પણ કોઈએ તેનો ઉલ્લેખ પણ ના કર્યો. યુએન મહાસચિવે પણ કોઈ નિવેદન જાહેર ન કર્યું.

• જી-૭ સમિટમાં એક સત્ર ક્લાઇમેટ ચેન્જ માટે હતું. તેમાં જી-૭ના તમામ સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો જોડાયા પણ પ્રમુખ ટ્રમ્પ નહોતા આવ્યા.
• સત્રનું નેતૃત્વ મૈક્રોંએ કર્યું. તેમણે રિસાઇકલ પ્લાસ્ટિકથી બનેલી હાથની ઘડિયાળ બધા નેતાઓને ભેટ આપી હતી.
• બ્રેક્ઝિટ મુદ્દે બ્રિટિશ વડા પ્રધાન જ્હોન્સને ઇયુ અધ્યક્ષ સાથે વાતચીત કરી. જ્હોન્સને કહ્યું કે બ્રિટન ૩૧ ઓક્ટોબર પહેલા ઇયુથી બહાર થઈ જશે. ભલે ગમેતેવી સ્થિતિ હોય.
• અમેરિકી પ્રમુખ ટ્રમ્પે અંતિમ દિવસે ઇજિપ્ત, જર્મની, ભારત અને ફ્રાન્સના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીત કરી.
• જી-૭ના તમામ સભ્ય દેશો એમેઝોન રેન ફોરેસ્ટમાં લાગેલી આગ વહેલામાં વહેલી તકે બુઝાય તે માટે હરસંભવ પ્રયાસ કરવા સંમત થયા છે. બધા બ્રાઝિલ સરકારની મદદ કરશે.
• ૨૦૨૦માં ૪૬મી જી-૭ સમિટ અમેરિકામાં યોજાઈ શકે છે. ટ્રમ્પે કહ્યું કે અમે મિયામી ગોલ્ફ રિસોર્ટમાં આગામી સમિટને આયોજિત કરવાના ઇચ્છુક છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter