નવી દિલ્હીઃ દુનિયાભરમાં કેર વર્તાવનાર કોરોના વાઇરસે ભારતમાં પણ તેનો પંજો પ્રસાર્યો છે ત્યારે કેન્દ્ર સરકારે ૧૫મી એપ્રિલ સુધી દેશમાં વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દીધો છે. ૧૩મી માર્ચ બપોરના સાડા બાર વાગ્યાથી તમામ વિદેશીઓ માટે આ પ્રતિબંધ લાગુ થઈ જશે.
ભારત સરકારના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનના અધ્યક્ષપદે બુધવારે મળેલી પ્રધાનોની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. હાલમાં તમામ સામાન્ય વિઝા પર આ પ્રકારની પાબંદી લાદવામાં આવી છે. જોકે, તેમાંથી ડિપ્લોમેટ, યુનાઇટેડ નેશન્સ, આંતરરાષ્ટ્રીય સંગઠન, રોજગારી અને પ્રોજેક્ટ વિઝાને બાકાત રખાયા છે. આ નિર્ણય ભારતીય સમય પ્રમાણે ગુરુવાર - ૧૨ માર્ચના રોજ બપોર ૧૨-૨૦થી લાગુ થઈ ગયો છે.
વિઝા પ્રતિબંધની જાહેરાત કરતા ભારત સરકારના આ નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે જે કોઈ વિદેશી નાગરિક ભારતના પ્રવાસે આવવા માંગતા હોય તેને તેના દેશના નજીકના ભારતના મિશનનો સંપર્ક કરવાનો રહેશે. ભારતીય નાગરિક સહિતના તમામ વિદેશીઓને આ સૂચના અપાઈ છે.
આ ઉપરાંત નિવેદનમાં એમ પણ જણાવાયું છે કે જે લોકોએ ચીન, ઈટલી, ઈરાન, કોરિયા, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીની મુલાકાત લીધી છે અને ૧૫મી ફેબ્રુઆરી પછી પાછા ભારત આવવાના છે તેમને ૧૪ દિવસ સુધી ફરજિયાત આઈસોલેસનમાં રખાશે તેમ પણ નિવેદનમાં કહેવાયું છે.