નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો સંપર્ક સાધવામાં આવ્યો છે તેમ રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન શિવ પ્રતાપ શુક્લાએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું.
ઇન્ટરપોલે દેશ છોડીને ભાગેલી આઠ વ્યક્તિઓ સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે અને છના કેસમાં પ્રત્યાર્પણની વિનંતિ પણ કરાઇ છે. ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ મુજબ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ, ૨૦૧૮ હેઠળ આ ૨૭માંથી સાત વ્યક્તિ સામે અરજીઓ ફાઇલ કરાઇ છે તેમ પ્રધાને કહ્યું છે. શુક્લાએ ગૃહને વધુમાં માહિતી આપી હતી કે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે વિજય માલ્યાને બ્રિટનથી ભારતમાં પ્રત્યાર્પણની ભલામણ કરી છે.
આ ઉપરાંત આવી ઘટનાઓને અટકાવવા માટે સરકારે સરકારી બેન્કોને સલાહ આપી છે કે તેઓ રૂ. ૫૦ કરોડથી વધુની લોન સવલતો મેળવતી કંપનીઓના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સ તેમજ અન્ય હસ્તાક્ષરકર્તાઓના પાસપોર્ટની એક સર્ટિફાઇડ કોપી રાખે.
સરકાર રૂ. એક લાખથી ઓછી રકમના નાણાકીય ફ્રોડ્સના કેસોમાં દેખરેખ માટે રિઝર્વ બેન્ક સાથે કામગીરી કરી રહી છે તેમ રાજ્યસભામાં આઇટી પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું હતું. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ્સમાંથી ડેટાની ચોરીને લગતાં પ્રશ્નોના ઉકેલ માટે એક ફાયનાન્સિયલ ડેટા પ્રોટેક્શન બિલ ઘડાયું છે તેમ તેમણે ગૃહને કહ્યું હતું.
હાલમાં બેન્કો સાથે મળીને રૂ. એક લાખથી વધુને આવરી લેતા ઇન્ટરનેટ બેન્કિંગ અને રિઝર્વ બેન્ક ક્રેડિટ, ડેબિટ અને એટીએમ કાર્ડ્સને લગતાં ફ્રોડ્સના કેસોને ટ્રેક કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. ‘ભારતનો ડેટા ચોરી ન શકાય અને કોઇપણ પ્રકારની છેતરપિંડી સામે આકરા પગલાં લેવામાં આવશે' તેમ પૂરક પ્રશ્નોના પ્રતિસાદમાં પ્રશ્નકાળ દરમિયાન પ્રસાદે કહ્યું હતું. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે ઉપલા ગૃહ પાસે હેકિંગ અંગેનો ડેટા છે અને તે ફાયનાન્સિયલ ફ્રોડને લગતો છે.