મુંબઇઃ દેશના શેરબજારો માટે માર્ચ મહિનો મંદીનો રહ્યો. દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે તેનો ચેપ શેરબજારને પણ લાગ્યો છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૯ પછી દેશના શેરબજારોમાં મોટા પાયે રોકાણ કરીને કરોડો રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. જોકે માર્ચ મહિનામાં એફપીઆઈ દ્વારા વિક્રમજનક રીતે કરોડોનું રોકાણ પાછું ખેંચાયું છે. આ સમયમાં ઇક્વિટી માર્કેટમાંથી રૂ. ૬૧,૯૭૩ કરોડ અને ડેટ માર્કેટમાંથી રૂ. ૫૬,૨૧૧ કરોડનું રોકાણ પાછું ખેંચાયું. નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડનાં આંકડાઓ મુજબ માર્ચ મહિનામાં એફપીઆઈએ રૂ. ૧.૧૮ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચીને વિક્રમ સર્જ્યો છે.
કોરોનાને કારણે આખા વિશ્વનાં બજારોમાં સેન્ટીમેન્ટ ખરડાયું હતું ત્યારે ભારતનાં બજારો પણ તેમાંથી બાકાત રહ્યા ન હતા. રોકાણકારોની કરોડોની સંપત્તિનું ધોવાણ થયું છે. એફપીઆઈએ કુલ રૂ. ૧,૧૮,૧૮૪ કરોડની રકમ પાછી ખેચી હતી. જેમાં ઈક્વિટી માર્કેટમાંથી રૂ. ૬૧૯૭૩ કરોડઅને દેવાં બજારમાંથી રૂ. ૫૬,૨૧૧ કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હતું.