સિંગાપોરः સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના વિદ્યાર્થી ધ્રુવ પ્રભાકરે તાજેતરમાં હોંગ કોંગમાં યોજાયેલી વર્લ્ડ મેમરી ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૧૨ વર્ષના ધ્રુવે સ્ટુડન્ટ્સ કેટેગરીમાં ‘નેમ્સ એન્ડ ફેસીસ’ જ્યારે ‘રેન્ડમ વર્ડસ’ વિભાગમાં ૫૬ પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડ્યા છે.
આ સ્પર્ધામાં ચીન, ભારત, તાઇવાન, રશિયા અને મલેશિયા વિવિધ દેશોના ૨૬૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સિંગાપોરમાંથી માત્ર ધ્રુવે આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેણે પંદર જ મિનિટમાં ૮૭ લોકોના નામ અને તેમના ચહેરા યાદ કરી લીધાં હતા. મેમરી સંબંધિત તાલીમ લેવાનું તેણે હજી ગયા ઓકટોબર મહિનામાં જ શરૂ કર્યુ છે. તે રોજના ચાર થી છ કલાક નંબરો અને કાર્ડસની ગોઠવણીઓને મેમરાઇઝ કરવાની સધન તાલીમ લેતો હતો.
‘મેમરી પેલેસ’ બનાવવાની રોમન ટેકનિકમાં નિપુણ ધ્રુવે અડધા કલાકમાં ૧,૧૫૫ બાઇનરી ફિગર્સ (૦ અને ૧થી બનેલી સંખ્યાઓ) પણ યાદ કરી લીધી હતી. મેમરી પેલેસ ટેકનિકનો ઉપયોગ કરીને વ્યક્તિ કે વસ્તુ તથા ઘટનાઓની તસવીરો મગજના જુદા-જુદા હિસ્સામાં સંગ્રહિત કરી શકાય છે.
વિજેતા જાહેર થયા બાદ ખુશખુશાલ ધ્રુવે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે યાદશક્તિ વધારવા માટે તેને ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત દિવસ દરમિયાન કલાકો સુધી અભ્યાસ કરવો પડતો હતો. તેના પિતા મનોજ પ્રભાકર વ્યવસાયે એન્જિનિયર છે અને ઘણા વર્ષોથી સિંગાપોરમાં રહે છે. તેમણે કહ્યું કે મેમરી વધારવા માટે ધ્રુવ ઓછામાં ઓછા બે કલાક નિયમિત પ્રેક્ટિસ કરે છે.