અમદાવાદ: ભારતીય મૂળના બિલિયોનેર પંકજ ઓસ્વાલ અને તેમના પત્ની રાધિકા ઓસ્વાલે તાજેતરમાં વિશ્વમાં સૌથી મોંઘા ઘરોમાંના એકની ખરીદી કરી છે. તેમણે સ્વિટ્ઝરલેન્ડના ગીન્જિન્સ વિલેજ ખાતે 4.3 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા ઘરની રૂ. 1,649 કરોડમાં ખરીદી કરી છે. આ સ્થળેથી ઘરમાં બેઠાં બેઠાં બરફમાં ઢંકાયેલી આલ્પ્સની ગિરિમાળાઓ નિહાળી શકાય છે. ઓસ્વાલે 20 કરોડ ડોલર (અંદાજે રૂ. 1,649 કરોડ)માં આ લેવીશ પ્રોપર્ટી ખરીદી છે. જે વિશ્વના ટોચના 10 મોંઘા ઘરોમાંની એક ગણવામાં આવે છે.
એક સમયે આ પ્રોપર્ટીની માલિક ગ્રીક શિપિંગ મેગ્નેટ એરિસ્ટોટલ ઓનાસિસની દીકરી ક્રિસ્ટીના ઓનાસિસ હતી. જોકે, ભારતીય ઓસ્વાલ પરિવારે તેની ખરીદ કર્યા પછી તેમાં પુષ્કળ ખર્ચ કરી તેને નવેસરથી ડિઝાઇન કરી નવો ઓપ આપ્યો છે. જીક્યૂના જણાવ્યા મુજબ સેલિબ્રિટી ઇન્ટિરિયર ડિઝાઇનર જેરી વિલ્કેસને પ્રોપર્ટીના રિનોવેશનની કામગીરી સોંપાઈ હતી.
ઓસ્વાલ પરિવાર
પંકજ ઓસ્વાલ એ અગ્રણી ઉદ્યોગપતિ અભય કુમાર ઓસ્વાલના પુત્ર છે. અભય કુમાર ઓસ્વાલે એગ્રો મિલ્સ અને ઓસ્વાલ ગ્રીનટેકની સ્થાપના કરી હતી. તેમનું 2016માં અવસાન થયું હતું. ઓસ્વાલ ગ્રૂપ ગ્લોબલનું સુકાન પંકજ ઓસ્વાલ કરી રહ્યાં છે. જે પેટ્રોકેમિકલ્સ, રીઅલ એસ્ટેટ, ફર્ટિલાઇઝર્સ અને માઇનિંગમાં રસ ધરાવે છે. પંકજનો ઉછેર ભારતમાં થયો છે અને તેમણે મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ખાતે અભ્યાસ કર્યો છે. તેમણે રાધિકા ઓસ્વાલ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે દીકરીઓ પણ છે. 2013માં ઓસ્વાલ ફેમિલી ઓસ્ટ્રેલિયાથી સ્વિટ્ઝરલેન્ડ શિફટ થયો હતો. વિલા વારીનું નામકરણ પંકજ અને રાધિકાએ તેમની બે દીકરીઓ વસુંધરા ઓસ્વાલ અને રિધિ ઓસ્વાલના નામ પરથી કર્યું છે.