ન્યૂ યોર્કઃ ભારતમાં જન્મેલા ૬૩ વર્ષીય અજિત જૈન બર્કશાયર હાથવેના બિલિયોનેર ચેરમેન વોરેન બફેટના વારસદારની સ્પર્ધામાં અગ્રેસર છે. શેરહોલ્ડરોને લખેલા પત્રમાં કંપનીના ચેરમેન બફેટ અને વાઈસ ચેરમેન ચાર્લ્સ મુંગેરે બર્કશાયર રીઈન્સ્યુરન્સ ગ્રૂપનું સંચાલન સંભાળતા અજિત જૈન અને ગ્રેગ એબલને વિશ્વના અગ્રણી પરફોર્મર્સ તરીકે ગણાવ્યા હતા.
મુંગેરે બફેટના શક્ય અનુગામીની વાત કરતી વખતે પણ જૈન અને એબલનો ઉલ્લેખ કર્યો હતો. કેટલીક રીતે આ બન્ને બફેટ કરતા વધુ સારા બિઝનેસ એક્ઝીક્યુટિવ હોવાનું તેમણે કહ્યું હતું. ઓડિશામાં જન્મેલા અજિત જૈને આઈઆઈટી અને હાર્વર્ડમાં અબ્યાસ કર્યો છે અને લગભગ ત્રણ દાયકાથી બફેટ સાથે સંકળાયેલા છે. બફેટનો પુત્ર હોવાર્ડ નોન-એક્ઝીક્યુટિવ ચેરમેન તરીકે વારસો સંભાળશે તો પણ કોઈ વેતન મેળવશે નહિ અને બધા ડિરેક્ટરો જેટલો જ સમય કંપનીમાં ફાળવશે, તેમ બફેટે સ્પષ્ટ કર્યું જ છે.