મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્પેલિંગ-બી સ્પર્ધામાં નવ વર્ષનો ભારતવંશી અનિરુદ્ધ કથિરવેલ ચેમ્પિયન બન્યો છે. મંગળવારે યોજાયેલી ‘ધ ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી’ નામની આ સ્પર્ધામાં વિજેતા થયેલા અનિરુદ્ધને ૫૦ હજાર ડોલરની સ્કોલરશીપ તેમ જ ૧૦ હજાર ડોલરની કિંમતની ભેટસોગાદ મળી હતી.
અનિરુદ્ધના પિતા પૃથ્વીરાજ અને માતા સુજાતા ૧૬ વર્ષ પૂર્વે તમિળનાડુથી ઓસ્ટ્રેલિયા જઇને વસ્યા હતા. અનિરુદ્ધે કહ્યું હતું, ‘હું બે વર્ષની ઉંમરથી જ વાંચવા લાગ્યો હતો અને ધીમે-ધીમે મારી વાંચવાની ઉત્કંઠા વધતી ગઈ. નવા-નવા શબ્દો વાંચવાનું મને ગમવા લાગ્યું. મારા માતા-પિતાએ મને પ્રોત્સાહન આપ્યું અને મારી સ્પેલિંગની જાણકારી વધતી ગઈ. હું પહેલાં ધોરણમાં હતો ત્યારે મેં સૌપ્રથમ સ્પેલિંગ સ્પર્ધા જીતી હતી.’
અનિરુદ્ધે કહ્યું હતું કે તે સ્પર્ધા પૂરી પછી પણ માની શકતો નહોતો કે તે વિજેતા થયો છે. આથી તેણે સાથી સ્પર્ધકોને પોતાને મૂક્કો મારવા કહ્યું હતું કે જેથી તે ખરેખર ભાનમાં છે કે નહીં તેનો ખ્યાલ આવે. તેણે કહ્યું કે ‘આ સપનું છે કે હકીકત તે ચકાસવા મેં વખત તો મારી આંખ પણ ચોળી હતી.’