નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસીએ એન્ટિગુઆ પહોંચ્યા પછી આરોપ લગાવ્યો છે કે મારી સામેના બેન્ક ફ્રોડ કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓને સહકાર આપવા હું હંમેશા તૈયાર હતો, પરંતુ ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા જ મારા અપહરણનો પ્રયાસ કરાયો હતો. એન્ટિગુઆમાં ન્યૂરોલોજિસ્ટ પાસે સારવાર લેવા ડોમિનિકાની હાઇ કોર્ટમાંથી જામીન મેળવનાર મેહુલ ચોકસીએ જણાવ્યું હતું કે મારું સ્વાસ્થ્ય અત્યંત કથળી ગયું છે. હું અત્યાર સુધી મારી નિર્દોષતા પુરવાર કરવા માટે ભારત પરત જવા ગંભીરતાથી વિચારી રહ્યો હતો, પરંતુ મારી તબિયત અત્યંત બગડી ગઇ છે.
મેહુલ ચોકસીએ જણાવ્યું હતું કે, હું મારા ઘરે પરત આવ્યો છું પરંતુ મારા પર થયેલા અત્યાચારે મારા શરીર અને દિમાગ પર કાયમી ઘા છોડયા છે. મારા આત્મા પર પણ કાયમી ઘા પડયા છે. હું કલ્પના પણ કરી શકતો નથી કે મારા તમામ બિઝનેસ બંધ કર્યા અને મારી તમામ સંપત્તિ જપ્ત કરી લીધા પછી પણ ભારતીય એજન્સીઓ દ્વારા મારા અપહરણનો પ્રયાસ કરાશે.
ચોકસીએ જણાવ્યું હતું કે, મારા તબિયતના કારણસર મેં ભારતીય એજન્સીઓને ઘણી વાર જણાવ્યું છે કે, તેઓ એન્ટિગુઆ આવીને મારી પૂછપરછ કરી શકે છે. હું વધુ મુસાફરી કરી શકતો નથી. હું મારી સામેના બેન્ક ફ્રોડ કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા તૈયાર હતો, પરંતુ આવી અમાનવીય રીતે મારું અપહરણ કરાશે તેની મેં કલ્પના પણ કરી નહોતી.
ચાર્ટર પ્લેનમાં ડોમિનિકાથી એન્ટિગુઆ
ભાગેડુ મેહુલ ચોકસીને ડોમિનિકાની કોર્ટ દ્વારા વચગાળાના જામીન અપાયાના ત્રીજા દિવસે તે ચાર્ટર્ડ પ્લેન દ્વારા એન્ટુગુઆના બાર્બુડા પહોંચી ગયો છે. મેહુલ ચોકસીએ નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને કોર્ટ પાસે જામીન માગ્યા હતા. હવે તે સારવાર કરાવવા માટે એન્ટિગુઆ પહોંચી ગયો છે. આ કેસમાં થયેલી સુનાવણી દરમિયાન ડોમિનિકા કોર્ટે જણાવ્યું હતું કે માત્ર સારવાર કરવા અર્થે મેહુલ ચોકસીને ડોમિનિકા છોડીને એન્ટિગુઆ જવા દેવામાં આવશે. એક વખતે તેની સારવાર પૂર્ણ થાય અને ત્યાંની હોસ્પિટલ દ્વારા ચોકસીને શારીરિક રીતે સ્વસ્થ જાહેર કરાશે ત્યારે તેણે ડોમિનિકા પરત આવવું પડશે અને તેની સામે જે કેસ ચાલી રહ્યા છે તેમાં હાજર રહેવું પડશે. તેણે જામીન માટે ૧૦,૦૦૦ ઈસ્ટર્ન કેરેબિયન ડોલરના બોન્ડ પણ ભરવા પડ્યા હતા. સૂત્રોના મતે ન્યૂરોલોજિકલ સમસ્યાઓના કારણે ચોકસી દ્વારા જામીનની માગણી કરવામાં આવી હતી. આ માગણીના અનુસંધાનમાં કોર્ટે ચોકસીને વચગાળાના જામીન આપ્યા છે.
પ્રત્યાર્પણ કેસની સુનાવણી મોકુફ
મેહુલ ચોકસી સામેના ડોમિનિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના અને જ્યુશિયલ ઓવર વ્યૂના કેસ હાલમાં હોલ્ડ ઉપર મૂકાયા છે. ચોકસી જ્યારે ડોમિનિકા પાછો આવશે ત્યારે તેની સામે આ કેસની સુનાવણી હાથ ધરાશે. જાણકારોના મતે મેહુલ ચોકસીના ભારતમાં પ્રત્યર્પણના મુદ્દે પણ હાલમાં કેસ ચલાવવાનો નથી તેમ કોર્ટે જણાવ્યું હતું. ચોકસીના વકીલોએ દલીલ કરી હતી કે, તેની ન્યૂરોલોજિકલ ટ્રીટમેન્ટ એન્ટિગુઆમાં ચાલી જ રહી છે. આ સારવાર પુરી કરવા માટે તેણે એન્ટિગુઆ જવું જરૂરી છે. આ કારણે કોર્ટે તેણે જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી ૨૦૧૮માં ભારતમાંથી નાસી ગયો હતો અને એન્ટિગુઆમાં જઈને સંતાયો હતો. ૨૩ મેના રોજ તે એન્ટિગુઆમાંથી નાસી ગયો હતો અને ડોમિનિકામાં સંતાયો હતો અને ત્યાંથી ક્યૂબા ભાગી જવાની ફિરાકમાં હતો.