નવીદિલ્હીઃ ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં પહોંચાડી સહાયતા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે એક નિવેદનમાં કહ્યું કે, મોઝામ્બિક સરકારની અપીલ પછી ભારતે તાત્કાલિક નૌસેનાની ત્રણ હોડીઓને બીરા બંદરગાહ મોકલી આપી હતી અને ઈન્ડિયન નેવિએ ૧૯૦થી વધુને બચાવ્યા છે. ભારતે આ ચક્રવાતમાં ફસાયેલા ૩૬ ભારતીયોને પણ બચાવ્યા હતા. ચક્રવાતથી સૌથી વધુ બીરા શહેરમાં મોત થયાં છે. બંદરગાહ હબ અને સોફાલામાં વીજળીની લાઇનો ખોરવાતાં એર પોર્ટને પણ બંધ કરી દેવાયાં હતાં. પૂરમાં રસ્તાઓ પણ ધોવાઇ ગયાં છે. મધ્ય મોઝામ્બિકના તટ સાથે આ ચક્રવાત ટકરાતા જોરદાર પવન ફુંકાયા પછી ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે આ વિસ્તારમાં તારાજી સર્જાઈ છે.
૧૦૦૦થી વધુનાં મૃત્યુ
મોઝામ્બિકમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યા પછી આખા ગામો પાણીમાં ડૂબી ગયા હતા અને અનેક શહેરોમાં મૃતદેહો પાણી પર તરતા દેખાયા હતા. પ્રમુખ ફિલીપ ન્યાસીએ કહ્યું હતું કે, ત્રણ કરોડની વસ્તી ધરાવતા દક્ષિણ-પૂર્વ આફ્રિકાના દેશોમાં આ સૌથી વિનાશક ઈડાઈ વાવાઝોડું હતું. સૌ પ્રથમ હિંદ મહાસાગરના બંદરીય શહેર બૈરામાં ત્રાટક્યા પછી વાવાઝોડું ઝિમ્બાબ્વે અને માલાવી તરફ ફંટાયું હતું, પરંતુ મોઝામ્બિકની આ ભયંકર ઘટનાને પ્રકાશમાં આવતા ખાસ્સો સમય લાગ્યો.
બિનસક્ષમ અફસરશાહી અને ભ્રષ્ટ વહીવટી તંત્ર તેમજ સંદેશાવ્યવહારની કમીના કારણે આ ઘટનાની વાસ્તવિક્તા મોડેમોડે જાણમાં આવી હતી. રાજ્ય સરકારની માલિકીના રેડિયો પર બોલતાં ન્યાસીએ કહ્યું હતું કે, સત્તાવાર મરણાંક ૮૪ હોઈ શકે પરંતુ બિનસત્તાવાર આંકડો એક હજાર ઉપરનો પણ હોઈ શકે છે. ઈમર્જન્સી સ્ટાફે કહ્યું કે મરણાંક હજી પણ વધી શકે છે અને પ્રમુખે કહેલો આંકડો સાચો હોઈ શકે છે.
મૃત્યુ આંક ૪૧૭
દક્ષિણી આફ્રિકાના ત્રણ દેશો મલાવી, ઝિમ્બાબ્વે, મોઝામ્બિકમાં વાવાઝોડાં ઇડાઇએ તબાહી મચાવતાં એકવા મોઝામ્બિકમાં જ સત્તાવાર મૃત્યુ આંક ૪૧પને વટાવી ગયો હોવાના અહેવાલ છે. હજારો કિલોમીટર સુધી મોઝામ્બિકમાં પાણી ફરી વળ્યું છે. ૧૫મી માર્ચથી શરૂ થયેલા વાવાઝોડાએ જોતજોતામાં તબાહી મચાવી અને મધ્ય મોઝામ્બિકના દરિયા કિનારે તોફાની પવન સાથે ભારે વરસાદના કારણે પૂર આવ્યું હતું. પરિણામે પૂર્વીય ઝિમ્બાબ્વેમાં પણ ઠેરઠેર પાણી ભરાઇ ગયાં હતાં.