નવી દિલ્હી: ચીનની સેના સાથે લદ્દાખ સરહદી ક્ષેત્રમાં સંઘર્ષ બાદ ભારતમાં ફરી એક વાર ચીનવિરોધી લહેર મજબૂત થઈ છે. તેની સાથે જ ચીનના માલસામાન પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી રહી છે. જોકે વરવી વાસ્તવિક્તા એ છે કે આર્થિક મોરચે ચીને ભારતમાં જે પ્રકારે સામ્રાજ્ય ફેલાવ્યું છે તે જોતાં આ પ્રતિબંધો સરળ નથી. દવાથી લઈને મોબાઇલ ફોન અને રમકડાંથી લઈને ઓટોમોબાઈલ પાર્ટ્સ સુધી ભારત ચીન પર ઘણા અંશે નિર્ભર છે.
ભારતે ગત વર્ષે કુલ ૪૮ હજાર કરોડ ડોલરની આયાત કરી હતી. તેમાંથી ૬,૮૧૬ કરોડ ડોલર એટલે કે ૧૪ ટકા આયાત ફક્ત ચીનથી કરાઈ છે. આ રકમ સાંભળવામાં ભલે બહુ મોટી લાગતી ન હોય, પણ આંકડાની ઊંડાઈએ જઈને જોશો તો વાસ્તવિકતા દેખાશે. દવા નિર્માણ માટે જરૂરી કાચો માલ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રિડિયન્ટ્સ (એપીઆઈ) માટે ભારત ચીન પર લગભગ ૮૦ ટકાથી પણ વધુ નિર્ભર છે.
સ્માર્ટફોન: રૂ. ૧.૫ લાખ કરોડનું
બજાર ચીનના હાથમાં
ભારતનું સ્માર્ટફોન બજાર આશરે બે લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં ચીનની ભાગીદારી ૭૩ ટકા છે. એટલે કે ૧.૪૬ લાખ કરોડ રૂપિયાના બજાર પર ચીનનો કબજો છે. તેમાં ચીનની ૪ મોબાઇલ બ્રાન્ડ શાઓમી (૩૦ ટકા), વીવો (૧૭ ટકા), ઓપ્પો (૧૨ ટકા) અને રિયલમી (૧૪ ટકા) છે. વીવો, ઓપ્પો, રિયલમી એક જ કંપની બીબીકે ઈલેક્ટ્રોનિક્સની બ્રાન્ડ છે. તેની ચોથી બ્રાન્ડ વનપ્લસ પણ છે, જે ઝડપથી આગળ વધી રહી છે.
ઓટો ઉદ્યોગ: વાર્ષિક રૂ. ૧ લાખ કરોડ કમાય છે ચીન
દેશમાં ઓટોમોબાઇલ સ્પેરપાર્ટ્સનું બજાર ૪.૨૭ લાખ કરોડ રૂપિયાનું છે. ચીનની કંપનીઓની ભાગીદારી ૨૬ ટકા છે. ચીન દર વર્ષે ૧ લાખ કરોડ રૂપિયા કમાય છે.
ટીવી ઉદ્યોગ: રૂ. ૧૨ હજાર કરોડના
બજાર પર કબજો
ભારતમાં ટીવીનું બજાર આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનું છે. સ્માર્ટ ટીવી બજારમાં ચીનની કંપનીઓની ભાગીદારી ૪૨-૪૫ ટકા છે અને બિનસ્માર્ટ ટીવીમાં ૭-૯ ટકા છે. આશરે ૧૨ હજાર કરોડ રૂપિયાનું બજાર ચીનના કબજામાં છે.