નવી દિલ્હીઃ આકરા નીતિ-નિયમો અને ટ્રેડ ધિરાણ બિઝનેસમાં નુકસાન તેમજ કોવિડ નિયમોને કારણે ભારતીય જાહેર ક્ષેત્રની બેન્કો જેવી કે યુનિયન બનેક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક ધીમે ધીમે હોંગ કોંગથી પોતાના બિઝનેસને અન્યત્ર ખસેડી રહી છે. ક્યારેક વિશ્વમાં અગ્રણી ફાઈનાન્સ હબ ગણાતા હોંગ કોંગમાંથી તાજેતરમાં ભારતની જાહેર ક્ષેત્રની ઘણી બેન્કોએ પોતાના બિઝનેસને સમેટી લીધો છે. આ પૈકીની કેટલીક બેન્કો તો અહીં પોતાનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ કરવાના અંતિમ તબક્કામાં છે.
ભારતની જાહેર ક્ષેત્રની આઠ જેટલી બેન્કો કોરોના મહામારીને કારણે પોતાના ઓપરેશન્સને હોંગ કોંગમાં સમેટવાની તૈયારીમાં છે. એક અહેવાલ અનુસાર હોંગ કોંગમાં હવે જાહેર ક્ષેત્રની એક માત્ર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તેમજ ખાનગી ક્ષેત્રની HDFC અને ICICI બેન્ક જ રહે તેવી સંભાવના છે. યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અહીંના પોતાના કલાયન્ટસના એકાઉન્ટસને પહેલાથી જ સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની શાખાઓમાં ટ્રાન્સફર કરી દીધા છે અને હાલ તે હોંગ કોંગ મોનેટરી ઓથોરિટી તરફથી અંતિમ ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ની રાહ જોઈ રહી છે.
યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની યોજના વિશે માહિતગાર સૂત્રે જણાવ્યું હતું કે અમે કોઈ પણ નવા ટ્રાન્ઝેક્શન કરવાનું બંધ કરી દીધું છે અને પહેલાં જ અમારા એકાઉન્ટ્સને ખસેડી દીધા છે. અમે આગામી એક - બે મહિનામાં અંતિમ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળી જાય તેવી અપેક્ષા રાખી રહ્યા છીએ. પંજાબ નેશનલ બેન્કે પણ પોતાના રોલઆઉટ પ્લાન શરૂ કર્યા છે જ્યારે કેનેરા બેન્કની પોતાનો બિઝનેસ બંધ કરવાની યોજના એડવાન્સ તબક્કામાં છે. બેન્ક ઓફ બરોડાએ શહેરમાં પોતાની શાખા પહેલાં જ બંધ કરી દીધી છે.
એક નહીં, અનેક કારણો
કોવિડ બાદ ભારતની જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા હોંગ કોંગ છોડવા પાછળ ઘણા કારણો સામે આવ્યા છે. જેમાં હોંગ કોંગ પર ચીનના સંપૂર્ણ કબજા બાદ લદાયેલા આકરા નિયંત્રણો સામેલ છે. જેમાં ક્વોરેન્ટાઈન નિયમો અને લોકડાઉન સહિતના નિયમ જવાબ છે. બેન્કર્સના કહેવા અનુસાર વર્તમાન ભૂરાજકીય સ્થિતિને જોતાં ચીની સત્તાધીશો સાથે કામગીરી કરવાનું સરળ નથી. જોકે અમારું મુખ્ય કારણ નબળો ટ્રેડ ફાઇનાન્સ બિઝનેસ છે કારણ કે સઘળો પ્રવાહ શાંઘાઈ થઈને આવે છે.
ભારતીય બેન્કોને નુકસાન
બેન્કર્સના જણાવ્યા પ્રમાણે કોવિડ સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિઓમાં મંદીને કારણે ઘણી ભારતીય બેન્કોને જંગી નુકસાન થયું છે કારણ કે વેપારીઓ પોતાનું દેવું ચૂકવી શક્યા નહોતા. સાથે સાથે જ હવે અહીં એવી વિચારણા પણ પ્રવર્તી રહી છે કે હવે વધારે પડતી બેન્કોની કોઈ જરૂર નથી.