નવી દિલ્હીઃ ભારતની અનેક જાહેર ક્ષેત્રની બેન્કો વિદેશોમાં આવેલી પોતાની ૨૧૬ શાખાઓ પૈકી ૭૦ શાખાઓને વર્ષના અંત ભાગ સુધીમાં બંધ કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખર્ચમાં કાપ મૂકવા તેમજ નાણાંની બચત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
અહેવાલ અનુસાર, જે ભારતીય બેન્કો વિદેશોમાં પોતાનો બિઝનેસ સમેટી રહી છે તેમાં એસબીઆઈ, પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક અને બેન્ક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે. જોકે નફાકારક એકમો જેમ કે આરબ દેશોમાં આવેલાં રેમિટન્સ સેન્ટર્સ ચાલુ રહેશે. માત્ર નુકસાન કરી રહેલી શાખાઓ જ બંધ કરવામાં આવશે.
બેન્ક અધિકારીઓનું કહેવું છે કે મૂડી બચાવવાના હેતુસર વિદેશમાં આવેલી ૩૭ શાખા અત્યાર સુધીમાં બંધ થઈ ચૂકી છે. આ વર્ષના અંત સુધીમાં ૬૦થી ૭૦ અન્ય શાખાઓ પણ બંધ થશે. જે બેન્ક કચેરીઓ બંધ થઈ રહી છે, તેમાં શાખાઓ, રિપ્રેઝન્ટેટિવ ઓફિસ અને રેમિટન્સ ઓફિસોનો સમાવેશ થાય છે. કેટલીક બેન્ક શાખાઓને સમૂળગી બંધ કરવાને બદલે નાનાં રિપ્રેઝન્ટેટિવ કાર્યાલયોમાં તબદીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દુબઈ, શાંઘાઈ, જેદ્દાહ અને હોંગકોંગમાં આવેલી કેટલીક બેન્કોની શાખાઓ બંધ કરી દેવામાં આવી છે. શ્રીલંકા, ફ્રાન્સ ખાતે આવેલી શાખાઓને રિપ્રેઝન્ટેટિવ કાર્યાલયોમાં તબદીલ કરવામાં આવી છે.
સ્ટેટ બેન્ક પોતાની છ વિદેશી શાખા બંધ કરી ચૂકી છે. જ્યારે અન્ય નવ શાખા બંધ થવાની તૈયારીમાં છે. બેન્કોએ શાખા બંધ કરવા માટે રેગ્યુલેટરીની મંજૂરી લેવાની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે, પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોની સ્થિતિ સુધારવા માટે ગયા વર્ષે બેન્કોમાં ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી. સરકારે તે સાથે જ બેન્કોને તેમના વિદેશી બિઝનેસને વ્યવસ્થિત કરવા સૂચના આપી હતી.