અમદાવાદ: વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે. ઊંચું વળતર મળતું હોવાથી વિદેશી સંસ્થાકીય રોકાણકાર (એફઆઇઆઇ) દ્વારા નફારૂપી વેચવાલીનું પ્રમાણ ઘણું જ વધારે જોવા મળ્યું હતું. આ જ રીતે વિદેશવાસી ભારતીયોએ (NRI) પણ વીતેલા નાણાકીય વર્ષમાં નફો બુક કરીને નોંધપાત્ર પ્રમાણમાં પોતાનું રોકાણ પાછુ ખેંચ્યું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ)ના આંકડા પ્રમાણે 2023-24 દરમિયાન NRIનું નેટ વેચાણ રૂ. 9.479.31 કરોડનું રહ્યું છે, જે નાણાકીય વર્ષ 20-23માં રૂ. 4015.33 કરોડ હતું. મતલબ કે વાર્ષિક ધોરણે NRIના વેચાણમાં 136 ટકાનો ઉછાળો આવ્યો છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ભારતીય શેરબજારે વિશ્વના અન્ય શેરબજારો, ખાસ કરીને યુરોપ અને અમેરિકન માર્કેટ કરતા સારું વળતર આપ્યું છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન બીએસઇ સેન્સેક્સ લગભગ 25 ટકા જેટલો વધ્યો છે. વૈશ્વિક સ્તરે સૌથી વધુ વધનારા માર્કેટ્સમાં ભારત ત્રીજા ક્રમે છે. જાપાનના નિક્કીએ 44 ટકા અને અમેરિકાના નાસ્ડેક માર્કેટ 34 ટકા વધ્યું છે. તેની સામે ડાઉ જોન્સ 19 ટકા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટનના બજારો 4-18 ટકા જેટલા વધ્યા છે. બીજી તરફ, ચીન અને સિંગાપોરના બજારોએ નેગેટિવ રિટર્ન આપ્યું છે.
બીએસઇમાં NRIના નેટ ખરીદવેચાણના આંકડા જોઈએ તો નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા મહિને માર્ચમાં જ NRIનું નેટ વેચાણ રૂ. 4,700 કરોડથી વધારેનું હતું. આ જ રીતે ઓગસ્ટમાં તેઓએ રૂ. 3,630 કરોડનું વેચાણ કર્યું હતું. આખા વર્ષ દરમિયાન NRI રોકાણકારોએ રૂ. 7,046.44 કરોડનો માલ ખરીદ્યો હતો અને તેની સામે રૂ. 16,525.78 કરોડનો માલ વેચ્યો હતો. વીતેલા પાંચ વર્ષોમાં માત્ર 2020-21ના વર્ષમાં જ NRI ઇન્વેસ્ટર્સ તરફથી નેટ રૂ. 111 કરોડનું રોકાણ આવ્યું છે. બાકીના વર્ષોમાં વિદેશવાસી ભારતીયો વેચવાલ જ રહ્યા છે.