ટોરેન્ટોઃ કેનેડાના ટોરન્ટોમાં એક ભારતીય યુવકનું શબ તેના ઘરની બહાર ઝાડ પર લટકેલું જોવા મળ્યું. પરિવારે યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આ યુવકનું નામ વિશાલ શર્મા (૨૧) છે અને તે પંજાબના નાભાનો રહેવાસી હતો. વિશાલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે આવ્યો હતો.
કેનેડાની પોલીસે વિશાલના પિતા નરેશ શર્માને જણાવ્યું કે, અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ અને ત્રણ દિવસમાં પરિવારને રિપોર્ટ સોંપવામાં આવશે. પોલીસ હજુ સુધી એ નક્કી નથી કરી શકી કે આ હત્યા છે કે આત્મહત્યા. વિશાલ ટોરન્ટોમાં નાભાથી જ આવેલા એક અન્ય યુવક સાથે એપાર્ટમેન્ટમાં રહેતો હતો.
વિશાલના પરિવારનું કહેવું છે કે, તેનો મૃતદેહ ઝાડ પર ઘણી ઉંચાઇએ લટક્યો હતો. તેની આત્મહત્યાનું કોઇ કારણ પણ નહતું. તે ખુશ હતો અને કોઇ પરેશાની વિશે કહ્યું ન હતું.
વિશાલ જુલાઇમાં એક લગ્નમાં નાભા આવ્યો હતો, ત્યારબાદ સપ્ટેમ્બરમાં કેનેડા ગયો હતો અને તે પોતાના ઘરની બહાર જ આત્મહત્યા શા માટે કરશે? આ હત્યા છે. વિશાલના પરિવારે કહ્યું કે, વિશાલે શનિવાર અને રવિવારે પણ ફોન પર વાત કરી હતી. તેણે તેના પિતરાઇ ભાઇને કહ્યું કે, બધું જ ઠીક છે. અમને નથી ખબર કે અચાનક શું થઇ ગયું.