દુબઈઃ યુએઇમાં રેસિડેન્સિયલ પ્રોજેક્ટ સેક્ટરમાં આગવી નામના ધરાવતા ડેન્યુબ ગ્રૂપનું કહેવું છે કે કોરોના મહામારી પછી વિશ્વભરમાં વસતાં ભારતીયો તેમના દેશમાં આવીને ફ્લેટ અથવા પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. તેમના દ્વારા ખરીદીમાં 30 ટકાનો વધારો થયો છે.
ભારતીય રોકાણકારોએ દુબઈમાં સંપત્તિ ખરીદવા દોટ લગાવી છે તેનું કારણ એ છે કે અહીં મકાનોના ભાવ મુંબઈના ઉપનગર વિસ્તારોના ફ્લેટથી પણ ઓછા છે. ભાડાના મકાનોની પણ સારી માંગ છે એટલે રોકાણ પર સારું રિટર્ન પણ મળે છે.
ડેન્યુબ ગ્રૂપના સંસ્થાપક અને ચેરમેન રિઝવાન સાજને કહ્યું, 2022માં અમારી રેસિડેન્શિયલ પ્રોપર્ટીસમાંથી લગભગ 45 ટકા સંપત્તિ વિશ્વભરમાં રહેતા ભારતીયોએ ખરીદી છે. તેમાં ભારતમાં વસતાં લોકો પણ સામેલ છે. અમારા કુલ વેચાણમાં 25 ટકા હિસ્સેદારી ભારતમાં રહેતા લોકોની છે. ભારતમાં રહેતા લોકો માટે આકર્ષણની વાત એ છે કે અહીં મુંબઈથી પણ બહુ ઓછા ભાવે ફ્લેટ મળી રહ્યા છે.
સાજન કહે છે કે સાંતાક્રુઝ અને અંધેરી વચ્ચેના વિસ્તારોમાં અત્યારે સંપત્તિનો ભાવ 50 હજાર રૂપિયાથી એક લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ (કારપેટ એરિયા) છે જ્યારે દુબઈમાં સારા વિસ્તારમાં લક્ઝરી સંપત્તિ 34 હજાર થી 60 હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના ભાવે મળી રહી છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે તેમની વ્યાજબી ભાવની સંપત્તિઓમાં સ્પોર્ટ્સ સેન્ટર, થિયેટર, જીમ, સ્વિમિંગ પુલ, રેસ્ટોરન્ટ જેવી સુવિધાઓ પણ હોય છે, જે ભારતમાં પ્રીમિયમ સંપત્તિઓમાં જ મળે છે.