સંસ્કૃત, તમિલ અને તેલુગુના ભાષાવિદ્ નિષ્ણાત પ્રોફેસર ડેવિડ સુલેમાનને ઈઝરાયેલના સર્વોચ્ચ સન્માન પૈકીનો એક ઈન્ડોલોજી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત ૧૭મી ફેબ્રુઆરીએ કરાઈ છે. પ્રો. ડેવિડ ભારતીય સંસ્કૃતિના અભ્યાસમાં તજજ્ઞ છે. ખાસ કરીને ભારતના ધર્મો અને તત્ત્વજ્ઞાન પર તેમની પકડ જાણીતી છે. વધુમાં તેઓ સંસ્કૃત, તમિલ, તેલુગુ સહિતની ભારતીય ભાષાઓના પણ જાણકાર છે.
ઈઝરાયેલના શિક્ષણ પ્રધાન નફ્તાલી બેનેટે આ એવોર્ડની જાહેરાત કરતાં કહ્યું હતું કે, એવોર્ડ માટે પ્રોફેસર ડેવિડથી બીજું કોઈ યોગ્ય નામ અમને મળ્યું નથી. ઈઝરાયેલમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં તેમનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. ઇન્ડિયામાં પણ દક્ષિણ ભારતના કલ્ચરમાં તેમનો સવિશેષ અભ્યાસ દેખાય છે. હાલમાં પ્રોફેસર ઈઝરાયેલના જેરુસલેમમાં આવેલી હિબ્રુ યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય સાથે જોડાયેલા છે. ૬૭ વર્ષના સુલેમાન તેમની ડાબેરી વિચારધારા માટે પણ પ્રખ્યાત છે.
જોકે, ઈઝરાયેલ સરકારે કહ્યું હતું કે તેમની વિચારધારા કરતાં તેમનું સંશોધન અમારા માટે વધુ મહત્ત્વનું છે. તેઓ ડાબેરી છે કે જમણેરી એ બાબતને ધ્યાનમાં લીધા વગર જ અમે કોઈ પક્ષપાત સિવાય તેમને એવોર્ડ એનાયત કરવાનું નક્કી કર્યું છે. આ એવોર્ડ દર વર્ષે ઈઝરાયેલના સ્થાપના દિવસે એનાયત કરાય છે. અમેરિકામાં જન્મેલા સુલેમાનને ૧૯૮૭માં મેકઆર્થર ફેલોશિપ પણ મળી હતી. એ વખતે આ ફેલોશિપ મેળવનારા તેઓ પ્રથમ ઈઝરાયેલી નાગરિક હતા.