નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર ૨૬ ફેબ્રુઆરીના રોજ હવાઇ હુમલો કર્યો ત્યારે ત્યાં ૨૬૩ આતંકવાદીઓ હાજર હતા. એક ટીવી ન્યૂઝ ચેનલે સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું હતું કે, એરફોર્સની સ્ટ્રાઇક પહેલાં આતંકી કેમ્પમાં ટ્રેનિંગ માટે આવેલા ઘણા આતંકવાદીઓ હાજર હતા. ભારતની સર્જિકલ સ્ટ્રાઇક વેળા જૈશ-એ-મોહમ્મદના તમામ આતંકવાદીઓ અને કમાન્ડરો પાસે મોબાઇલ ફોન હતા. નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આ આતંકવાદીઓના મોબાઇલ ફોન ઝીણવટથી ટ્રેક કરી રહ્યું હતું. એરફોર્સના હુમલા પછી આ તમામ મોબાઇલ સિગ્નલ ગાયબ થઇ ગયા છે. વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે પાંચ દિવસ ચાંપતી નજર રાખી હતી. હુમલા દરમિયાન ચાર મિસાઇલ છોડીને ટેરર કેમ્પને તહસનહસ કરી નંખાયો હતો.
ભારતીય વાયુસેનાના હુમલા વખતે બાલાકોટના આતંકી કેમ્પમાં જૈશ-એ મોહમ્મદના ૧૮ સિનિયર કમાન્ડર હાજર હતા. આ ઉપરાંત દૌરા-એ-ખાસ તાલીમ માટે ૯૧, દૌરા-એ-આમ તાલીમ માટે ૮૩, દૌરા-એ-મુતાલહ તાલીમ માટે ૩૦ અને આત્મઘાતી હુમલા માટે ૨૫ આતંકી ત્યાં હાજર હતા. આ ઉપરાંત કેમ્પમાં કામ કરતા ૧૮ કર્મચારી પણ સામેલ હતા. ૧ માર્ચથી અહીં આતંકવાદીઓની ટ્રેનિંગ શરૂ થવાની હતી.
ભારતમાં વિરોધ પક્ષ ભલે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યો હોય પરંતુ હકીકત એ છે કે ભારતના આ હુમલાના કારણે જૈશ-એ-મોહમ્મદની કમર તૂટી ગઇ છે. અફઘાનિસ્તાનમાં અમેરિકી સેના સામે લડતા ઘણા કુખ્યાત આતંકવાદી પણ લાપતા મનાઇ રહ્યા છે. આ તમામ આતંકવાદીઓને મસૂદ અઝહરે અફઘાનિસ્તાનના અભિયાન પછી પસંદ કર્યા હતા.
ભારતીય વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પની ચાર ઇમારતોને લક્ષ્યાંક બનાવી હતી. કેમ્પમાં કુલ ૯ ઇમારતો હતી. અહીં એકત્ર થયેલા આતંકીઓ અને ટ્રેનર અલગ અલગ ઇમારતોમાં રોકાયા હતા. ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેના અને ઇન્ટેલિજન્સ એજન્સીઓના એસેસમેન્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના વિમાનોએ તેમને સોંપાયેલા તમામ ટાર્ગેટનો સફળતાથી નાશ કર્યો હતો. જોકે, આ રિપોર્ટમાં કેટલા આતંકવાદી માર્યા ગયા તેનો ઉલ્લેખ કરાયો નથી.
૮૦ ટકા નિશાન સાધ્યા
બાલાકોટ એરસ્ટ્રાઈકમાં ૮૦ ટકા બોમ્બ નિર્ધારિત લક્ષ્યાંક પર જ પડ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય વાયુસેનાએ કેટલાક પુરાવા સરકારને સોંપ્યા છે. જેમાં એ રિપોર્ટ પણ છે કે જેમાં જણાવ્યું છે કે આ હવાઈહુમલામાં ૮૦ ટકા બોમ્બ તેના નિશાના પર જ વાગ્યા હતા. આ પુરાવામાં એરસ્ટ્રાઈકની તસવીરો પણ સામેલ હોવાનું મનાઈ રહ્યું છે. અલબત્ત, આ રિપોર્ટ જાહેર કરાશે કે કેમ તેને લઈને અટકળો છે.
એરફોર્સના રિપોર્ટ અનુસાર બાલાકોટમાં ૮૦ ટકા બોમ્બ ટાર્ગેટ પર જ લાગ્યા હતા. જે ઈમારતો પર આ બોમ્બ ફેંકાયા હતા તેની અંદર જઈને તે બ્લાસ્ટ થયા હતા. આમ અંદરની જગ્યાએ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોએ દાવો કર્યો છે કે જે મિસાઈલોનો ઉપયોગ આ એરસ્ટ્રાઈકમાં કરાયો તેણે છત પર જ હુમલો કર્યો હતો, ટાર્ગેટ પર જ હુમલો કર્યો હતો. જોકે, આ રિપોર્ટમાં એ સ્પષ્ટ કરાઈ નથી કે ખરેખર કોઈ જાનહાનિ થઈ હતી કે કેમ? અને કેટલાક આતંકીઓ માર્યા હતા કે કેમ? અગાઉ એરફોર્સ કહી ચૂક્યું છે કે અમારું કામ આતંકીઓ પર હુમલા કરવાનું હતું, કેટલાક આતંકીઓ માર્યા ગયા તેની ગણતરી કરવાનું નહીં.
વિરોધાભાસી અહેવાલ
એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે બાલાકોટ હવાઇહુમલાની સેટેલાઈટ તસવીરો મળી છે. જેના આધારે દાવો કરાયો છે કે હુમલામાં કંઈ જ ડેમેજ નથી થયું. આ રિપોર્ટમાં સેટેલાઈટ તસવીરોને જ ધ્યાનમાં રખાઈ છે, જેના પરથી જણાય છે કે આ વિસ્તારમાં મદરેસા સંપૂર્ણપણે સુરક્ષિત ઊભું છે. સાન ફ્રાન્સિસ્કોની પ્રાઈવેટ સેટેલાઈટ ઓપરેટર કંપનીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છ ઈમારતો સંપૂર્ણપણે સુરક્ષિત છે. અમેરિકાના રિપોર્ટમાં દાવો કરાયો છે કે એરસ્ટ્રાઈકથી કોઈ નુકસાન થયું નથી. આ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં હવાઇહુમલા બાદના દાવા અંગે સવાલો ઉઠાવાયા હતા કે ખરેખર ૩૦૦ આતંકી મર્યા છે કે કેમ.