નવી દિલ્હીઃ ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે નકાર્યા પછી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર રહેતા કેટલાક લોકોને મળીને તૈયાર કરેલા અહેવાલમાં કહેવાયું છે કે ૨૯ સપ્ટેમ્બરે મોડી રાત્રે ભારતીય સેના આતંકવાદી કેમ્પ પર ત્રાટકી હતી. બોમ્બ ધડાકાઓ અને ગોળીબારના અવાજો થોડા સમય માટે સંભળાયા હતા અને તે પછી આશરે પાંચ કે છ લાશોને ટ્રકમાં લઈ જવાતી જોવા મળી હતી. બીજી તરફ ભારતીય આર્મીએ પીઓકેમાં કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ૯૦ મિનિટનો વીડિયો ચોથી ઓક્ટોબરે ભારત સરકારને સોંપ્યો હતો. આ વીડિયો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી મંજૂરી આર્મી દ્વારા સરકારને આપવામાં આવી છે અને પૂર્વ આર્મી ચીફ મલિકના નિવેદન મુજબ, સરકારે વીડિયો જાહેર કરવો જોઈએ નહીં તેમણે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગનારાઓને મૂર્ખ ગણાવ્યા હતા. આ બધા વચ્ચે ભારતીય સર્જિકલ સ્ટ્રાઈકથી ધૂંધવાઈ ગયેલું પાક. જમ્મુ કાશ્મીરની સરહદે નાના મોટા આતંકી હુમલા કરી રહ્યું છે.
હંદવાડામાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં છઠ્ઠીએ સવારે પાકિસ્તાનથી આવેલા ત્રણેય આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પાકિસ્તાનના માર્કા ધરાવતી દવાઓ, અન્ય ચીજવસ્તુઓ તેમજ ડ્રાયફ્રૂટ મળી આવ્યાં હતાં. ત્રણ એકે-૪૭ રાઇફલ અને અન્ય શસ્ત્રો જપ્ત કરાયાં હતાં. અથડામણમાં આર્મીના બે જવાનોને ઈજા થયાના અહેવાલો છે.
ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ
આર્મીના જવાનો દ્વારા ૫ અને ૬ ઓક્ટોબરે રાત્રે નૌગામ સેક્ટરમાં બે તેમજ રામપુર સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ચાર આતંકીઓ પાસેથી પાક. ઓર્ડિનન્સ ફેકટરીમાં બનેલા ગ્રેનેડ મળી આવ્યા છે જેના પર ARGES 84 and UBGL માર્કિંગ છે, તે ઉપરાંત આતંકીઓ પાસેથી પાક. બનાવટના ખાદ્યપદાર્થો અને દવા પણ મળી આવ્યાં હતાં.
પંપોરમા સરકારી ઇમારત પર હુમલો
સોમવારે સવારે કાશ્મીરના પંપોરની ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાની ઇમારતમાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. પહેલાં ઇમારતના ટોચના માળે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં ફાયરબ્રિગેડના લશ્કરો ત્યાં પહોંચ્યા, પરંતુ અંદાજે બેથી ત્રણ આતંકવાદીઓએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો જેમાં એક જવાન ઘાયલ થયો હતો.
કાશ્મીર ખીણમાં ૨૫૦ આતંકી ઘૂસ્યાં
ગૃહમંત્રાલયે ૧૦મી ઓક્ટોબરે જારી કરેલા અહેવાલ મુજબ ૨૫૦ આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસી ગયા છે. ૨૫૦માંથી ૧૦૭ આતંકી કાશ્મીરના સ્થાનિક યુવાનો છે. આ આતંકવાદીઓમાં લશ્કેર તૈયબા, જૈશે મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દિનના પાકિસ્તાની આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. ભારતીય સુરક્ષાદળોનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને જમ્મુ-કાશ્મીરની સીઆઈડીને આ અંગે સાવચેત કરાયાં છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓને એવી પણ માહિતી મળી છે કે જો આતંકવાદી સંસદ પર હુમલામાં નિષ્ફળ જશે તો દિલ્હી સચિવાલય પર હુમલો કરી શકે છે. તેમના ટાર્ગેટમાં દિલ્હીનું અક્ષરધામ મંદિર અને લોટસ ટેમ્પલ પણ છે.
રાહુલે કર્યું સેનાનું અપમાન: શાહ
સરકાર અને ભાજપ દેશની સેનાના જવાનોનાં લોહીની દલાલી કરી રહ્યા હોવાના કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સાતમીએ નિવેદન કર્યા પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે, જવાનોનાં લોહીની દલાલી જેવો આરોપ મૂકીને રાહુલ ગાંધીએ સેનાની વીરતા અને ૧૨૫ કરોડ જનતાનું અપમાન કર્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ ફક્ત બટાકાંની ફેક્ટરી પર જ ધ્યાન આપવું જોઈએ. ખેડૂતો અંગેની તેમની સમજ બટાકાંની ફેક્ટરી સુધી જ સીમિત છે. ભાજપનાં આક્રમણથી બચવા કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે, જૈશે મોહમ્મદ આતંકી સંગઠન પેદા કરનારાં કોંગ્રેસ પર નિવેદન ન આપે. ભાજપે જ આતંકી સરગણા મસૂદ અઝહરને મુક્ત કર્યો હતો.
હથિયાર ઉત્પાદકો ખડે પગે રહેઃ સરકાર
રાજકીય આક્ષેપબાજી વચ્ચે મોદી સરકારે હથિયારોના ઉત્પાદકો અને સપ્લાયરોને ટૂંકી નોટિસ પર સેનાને જરૂરી શસ્ત્રોના ઉત્પાદન તથા પુરવઠો પૂરો પાડવા માટે તૈયાર રહેવા માટેનો આદેશ આપ્યો છે.