ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના એક પત્રકારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે તત્કાલીન પાક. આર્મી જનરલ બાજવા પર કાશ્મીર મુદ્દે ભારત સાથે એક ગુપ્ત સમજૂતી કરવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની અખબારોના રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે જનરલ બાજવાએ 2021માં સૈન્ય વડા મથકે 20-25 પત્રકારો સાથે મુલાકાત કરી હતી. અને પત્રકારો સાથે ઓફ-ધ-રેકોર્ડ વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતની સૈન્ય તાકાતને જોતા પાકિસ્તાની સેના ભારત સામે યુદ્ધ કરવા સક્ષમ નથી. પત્રકારે આ સાથે જ આ દાવો પણ કર્યો હતો કે જનરલ બાજવાએ તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાનના નેતૃત્વ હેઠળની સરકારને આ ડીલ મુદ્દે અંધારામાં રાખી હતી. જનરલ બાજવા અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ દ્વારા આ સમજૂતી તૈયાર કરવામાં આવી હતી. અને આ ગુપ્ત સમજૂતી પર હસ્તાક્ષર કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાન પ્રવાસે જવાના હતા.
આ અહેવાલો બાદ પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ પછી પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાની સેનાની યુદ્ધ કરવાની લાયકાત વિશે મીડિયામાં જે ચર્ચા ચાલી રહી છે તે એકદમ ખોટી છે. તે સાચી નથી. સેનાએ કહ્યું હતું કે અમે તે વખતે પણ ભારત સાથે મજબૂત રીતે યુદ્ધ લડવાની સ્થિતિમાં હતા.