નવી દિલ્હીઃ ભારતીય સૈન્યએ પૂર્વ લદાખમાં પેંગોંગ ત્સો(સરોવર)માં પેટ્રોલિંગ માટે નવું લેન્ડિંગ શિપ અને સ્પીડ બોટ તહેનાત કર્યા છે. તેનાથી 14,000 ફૂટની ઊંચાઈ પર ચીન સરહદે એલએસી પર આવેલા સરોવરમાં ભારતીય સૈન્યની પેટ્રોલિંગ અને નિરીક્ષણ ક્ષમતા વધી ગઈ છે. આ તો ક્ષેત્રમાં ચીનના સૈન્ય પીએલએની તહેનાતીને લઈને જવાબી તૈયારી છે.
2020માં આ ક્ષેત્રમાં ચીનના સૈન્યની પ્રવૃત્તિઓ વધ્યા બાદ ભારતના સૈન્યની ક્ષમતા વધારવા અને તે પાયાના માળખાના વિકાસનો હિસ્સો છે. નવા લેન્ડિંગ ક્રાફ્ટને પાક. સામે ગુજરાતના સર ક્રીકમાં પણ તહેનાત કરાયું છે. લેન્ડિંગ ક્રાફ્ટ એક સાથે 35 સૈનિકો કે એક જીપ તથા 12 કર્મીઓને લઈ જવામાં સક્ષમ છે.
જોકે સ્પીડ બોટ્સ 35 સમુદ્રી માઈલ (65 કિ.મી.) પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે. 2021ની શરૂઆતમાં સૈન્યએ લેન્ડિંગ શિપ અને સ્પીડ બોટ્સ માટે બે કરાર કર્યા હતા. 2021ની બીજા છ માસમાં તે સૈન્યને સોંપી દેવાઈ હતી.