વોશિંગ્ટનઃ દિવાળીના તહેવારો અંગે ગૂગલ પર દુનિયાભરમાં ખાસ્સી જિજ્ઞાસા જોવા મળી છે. ભારત જ નહીં, વિશ્વના અન્ય દેશોના લોકોએ પણ દિવાળી અંગે જાણકારી મેળવવા ગૂગલ પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. આ વાત કરતા આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું હતું કે છેલ્લા એક સપ્તાહના વિશ્લેષણ પ્રમાણે ગૂગલ પર પાંચ પ્રશ્નો સૌથી વધુ પૂછાયા હતા. તેમાં પહેલો પ્રશ્ન એ હતો કે ‘ભારતીયો દિવાળી કેમ ઊજવે છે?’ સામાન્ય રીતે દેશવિદેશના યુવાનો અને દુનિયાના અન્ય દેશોના નાગરિકોએ દિવાળીનું માહાત્મ્ય જાણવા-સમજવા ગૂગલનો ઉપયોગ કર્યો હતો. તેમાં સૌથી વધુ પ્રશ્ન આ પૂછાયો હતો.
આ દરમિયાન બીજા પણ ચાર પ્રશ્નો દુનિયાભરમાંથી સૌથી વધુ વાર પૂછાયા હતા. બીજો પ્રશ્ન એ હતો કે દિવાળીમાં રંગોળી કેમ કરવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન એ હતો કે દિવાળીમાં દીવડાં કેમ પ્રગટાવવામાં આવે છે? ચોથો પ્રશ્ન એ હતો કે દિવાળીમાં લક્ષ્મીપૂજા કેમ કરવામાં આવે છે? તો પાંચમા પ્રશ્નમાં લોકોએ પૂછ્યું હતું કે દિવાળીમાં તેલથી માલિશ કેમ કરવામાં આવે છે? ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને, દક્ષિણ ભારતમાં દિવાળીના દિવસોમાં સૂર્યોદય પહેલાં હૂંફાળા તેલની માલિશ કરવામાં આવે છે. તામિલનાડુમાં તો સવારના સમયે તેલમાલિશના અનુષ્ઠાન વિના દિવાળી અધૂરી ગણાય છે.
સહુ કોઇ જાણે છે તેમ, દિવાળીના તહેવારનું હિન્દુ ધર્મ-સંસ્કૃતિમાં ખાસ મહત્ત્વ છે. દિવાળી પ્રકાશનું પર્વ ગણાય છે. ભારતના પ્રાચીન શાસ્ત્રોમાં પણ દિવાળીના તહેવારોના વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. ભગવાન શ્રીરામ રાવણને પરાજિત કરીને અયોધ્યા પરત ફર્યા ત્યારે તેમના માર્ગને પ્રકાશિત કરવા હજારો દીવડાં કરાયાં હતાં એટલે દિવાળીમાં આજે પણ ભારતમાં ઘરે ઘરે દીવા કરવાની પરંપરા છે. આ ઉપરાંત અંધકાર પર પ્રકાશના વિજય તરીકે પણ દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે.
ગૂગલને સૌથી વધુ પૂછાયેલા પાંચ પ્રશ્ન
• 1) ભારતીયો દિવાળી કેમ ઊજવે છે? • 2) દિવાળીમાં રંગોળી કેમ કરાય છે? • 3) દિવાળીમાં દીવડાં કેમ પ્રગટાવાય છે? • 4) દિવાળીમાં લક્ષ્મીપૂજા કેમ કરાય છે? • 5) દિવાળીમાં તેલથી માલિશ કેમ કરાય છે?