નવી દિલ્હી-તહેરાન: સેન્ટ્રલ એશિયાથી આયાત-નિકાસ માટે ચાબહાર બંદરનો ઉપયોગ કરવા ભારતે ઈરાન સાથે 10 વર્ષના કરાર કર્યા હતા. ઈરાનનું આ બંદર સેન્ટ્રલ એશિયામાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. ઈરાનના પોર્ટ એન્ડ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશન તથા ભારતના ઈંડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (આઈપીજીએલ) વચ્ચે આ લીઝ પર સહી-સિક્કા થયા હતા. આ પ્રસંગે ભારત વતી મંત્રી સર્વાનંદ સોનોવાલ ઉપસ્થિત રહ્યા હતા.
ઈંડિયન પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ આ બંદરને વિકસાવવા માટે 12 કરોડ ડોલરનું રોકાણ પણ કરશે. ચારે બાજુ જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાન અને સેન્ટ્રલ એશિયાના અન્ય દેશો સાથેનો ભારતનો વેપાર આ કરારને કારણે ઝડપી બનશે. પાકિસ્તાનને સંપૂર્ણપણે બાયપાસ કરી આ બંદરના રસ્તે સેન્ટ્રલ એશિયા સાથે વેપાર કરી શકાય એ મોટો ફાયદો છે.
જોકે આ બંદરનો ભારત પહેલેથી ઉપયોગ કરે છે. 2021માં ઈરાનને જંતુનાશકોનો જથ્થો અહીંથી મોકલાયો હતો. તો 2022માં અફઘાનિસ્તાનને 20 હજાર ટન ઘઉં પણ આ બંદર મારફતે જ પહોંચતા કરાયા હતા.
સેન્ટ્રલ એશિયા સાથેના વેપારમાં પાકિસ્તાનને બાયપાસ કરી શકાય એ હેતુથી ભારતે જ ઈરાનને આ બંદર વિકસાવવામાં મદદ કરી હતી. ગુજરાતના કંડલાથી 550 નોટિકલ માઈલ જ દૂર છે. ચાહબારથી એ ભારતનું સૌથી નજીકનું બંદર છે. ભારતે નિયમિત રીતે બંદરના વિકાસ માટે ફંડ આપ્યું છે.
અમેરિકાની પ્રતિબંધની ચીમકી
ચાબહાર પોર્ટના સંચાલન માટે ભારત-ઈરાન વચ્ચે કરાર થયા બાદ અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે ચેતવણી ઉચ્ચારી હતી કે, તેહરાન સાથેના વેપાર સોદા પર વિચાર કરનારા ‘કોઈ પણ તેનાથી જોડાયેલા પ્રતિબંધોના સંભવિત જોખમોથી સાવચેત રહે.’ અમેરિકાએ ચેતવણી આપતાં કહ્યું હતું કે ઈરાન સાથે સંબંધો રાખનાર એટલું વિચારી લે કે તેમના પર પણ પ્રતિબંધો લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલે અમેરિકાએ ઈરાન સાથે વેપારમાં સામેલ ત્રણ ભારતીય કંપનીઓ (ઝેન શિપિંગ, પોર્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને સી આર્ટશિપ મેનેજમેન્ટ) પર પ્રતિબંધો લાદ્યા હતા. આ પહેલા અમેરિકાએ પણ 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ બાદ ભારત પર પ્રતિબંધો લગાવ્યા હતા.
અમેરિકાએ જૂનું વલણ યાદ કરેઃ ભારત
ભારત-ઈરાન વચ્ચે ચાબહાર બંદર કરાર બાદ અમેરિકાની ચેતવણી પર વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે તેને લઈ સંકુચિત માનસિકતા રાખવી જોઈએ નહીં. જયશંકરે કહ્યું કે જો તમે ચાબહાર પોર્ટને લઈને અમેરિકાના વલણ પર નજર નાખશો તો જણાશે કે પહેલાં તે પોર્ટની પ્રાસંગિકતાની પ્રશંસા કરતું આવ્યું છે. જયશંકરે કહ્યું કે ચાબહાર પોર્ટ સાથે અમારો લાંબા સમયથી સંબંધ છે, પરંતુ અમે ક્યારેય લાંબા ગાળાના કરાર પર હસ્તાક્ષર કરી
શક્યા નથી. છેવટે, અમે આ સમસ્યાને ઉકેલવામાં સફળ થયા.