નવી દિલ્હી: ભારત સરકારે કોરોના મહામારી હળવી થતાં જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આકાશ ખોલવાની જાહેરાત કરી છે. જેના પગલે વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંત ભાગથી નવી ફ્લાઇટ્સ ઓપરેટ કરવાની તૈયારીઓ શરૂ કરતાં ભારત આવતા-જતા પ્રવાસીઓને વિદેશી પ્રવાસીઓને વિમાની સફર માટે વ્યાપક વિકલ્પો મળી રહેશે. મલેશિયા અને તુર્કી એરલાઇન્સ બે વર્ષના અંતરાલે ભારત માટેની પ્રવાસી ફ્લાઇટ્સ શરૂ કરવા જઇ રહી છે. તો એર ફ્રાન્સ - કેએલએમ અને લુફ્થાન્સા જૂથ પણ તેમની ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવા વિચારી રહી છે.
ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ફ્લાઇટ ઓપરેટ કરતી વિદેશી એરલાઇન એમિરેટ્સે પણ કોવિડ-19 પહેલાંના દિવસો જેટલી જ ફ્લાઇટ્સ શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 માર્ચના રોજથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા મંજૂરી આપ્યા પછી અનેક એરલાઇન્સમાં વધુ સંખ્યામાં ફ્લાઇટ્સ શરૂ કરવાની દિશામાં વિચારી રહી છે.
મલેશિયન એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે એરલાઇન દિલ્હી, બેંગ્લુરુ, મુંબઇ, ચેન્નઇ અને હૈદરાબાદ સહિતના જે શહેરો માટે ફ્લાઇટનું સંચાલન કરી રહી છે ત્યાં માંગના પ્રમાણમાં ફ્લાઇટ્સ વધારશે.
60 દેશો સાથે ભારતની કનેક્ટિવિટી
કોરોના મહામારી પહેલાં ભારત 60 દેશો સાથે સીધી એર કનેક્ટિવિટી ધરાવતું હતું. દેશ હાલમાં 37 દેશો સાથે એર ટ્રાન્સપોર્ટ બબલ વ્યવસ્થા ધરાવે છે. બબલ વ્યવસ્થા નિયમિત ફ્લાઇટ્સને મંજૂર તો રાખે છે, પરંતુ પ્રવાસીઓની સંખ્યા અને ટિકિટના વેચાણ પર નિયંત્રણો હતા. આ તમામ કિસ્સામાં એકમાત્ર શારજાહ અપવાદ છે. શારજાહ માટે હાલમાં મહામારી પહેલાં કરતાં પણ વધુ ફ્લાઇટનું સંચાલન થઇ રહ્યું છે.