નવી દિલ્હી: પશ્ચિમી એશિયાના મિત્ર દેશ આર્મેનિયાને ભારતે પહેલી આકાશ એર ડિફેન્સ બેટરી વેચી છે. આ સાથે જ ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવીને ઇતિહાસ રચ્યો છે. ‘બ્રહ્મોસ’ મિસાઈલ મિત્ર દેશોને વેચ્યા બાદ આ બીજું હવાઈ કવચ છે જેની વિદેશમાં માગ વધી રહી છે.
સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી જાહેર ક્ષેત્રની નવરત્ન રક્ષા કંપની ભારત ઈલેકટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કહ્યું છે કે ભારતે પહેલી આકાશ મિસાઈલ સિસ્ટમ બેટરી ‘એક મિત્ર દેશ’ને નિકાસ કરી છે. જે સ્વદેશીરૂપથી વિકસિત વાયુ રક્ષા પ્રણાલીનું પહેલું આંતરરાષ્ટ્રીય વેચાણ છે.
ભારત ઇલેક્ટ્રોનિક્સે તો આ દેશનું નામ જાહેર કર્યું નથી, પણ સંરક્ષણ સુત્રોના કહેવા પ્રમાણે એ વાતને સમર્થન મળે છે કે ભારતે આર્મેનિયાને જ આ ડિફેન્સ સિસ્ટમ નિકાસ કરી છે. સુત્રો અનુસાર, રક્ષા મંત્રાલયના સેક્રેટરી (ડિફેન્સ પ્રોડક્શન) સચિવ સંજીવ કુમારે આ બેટરીને આર્મેનિયા માટે રવાના કરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાંથી નિકાસ થનારી બીજી મિસાઈલ પ્રણાલી છે. ભારત પાસેથી મળેલા કવચનો ઉપયોગ આર્મેનિયા પોતાના પડોશી શત્રુદેશ અજરબૈજાન સાથે લડાઈમાં ઉપયોગમાં આવશે. અજરબૈજાન પાકિસ્તાનનું સમર્થક છે. આ સંજોગોમાં ભારતે આર્મેનિયાને મદદ કરતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.