બૈજિંગઃ કોરોના વાઈરસનો ભોગ બનેલા ચીનને મદદરૂપ થવા દેશ-વિદેશમાંથી મદદની ઓફર થઈ રહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પત્ર લખી મદદની ઓફર કરી હતી. મોદીના આ પત્ર પર હવે ચીની વિદેશ મંત્રલાયનો જવાબ આવ્યો છે.
ચીનના વિદેશ મંત્રાલયે જારી નિવેદનમાં જણાવ્યું છે કે ભારતે કરેલી મદદની ઓફર બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતીક છે. ભારતે કોરોના વાઈરસ સંદર્ભે જે સમર્થનની વાત કરી છે તે બદલ ચીન ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માને છે.
અમે ભારત તથા દુનિયાના બીજા દેશો સાથે મળીને કામ કરી રહ્યા છીએ જેથી કરીને આ વાઈરસ સામેનો જંગ લડી શકીએ. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું કે અમે કોરોના વાઇરસની સામે ચીની લડાઈમાં ભારતના સમર્થન બદલ આભાર માનીએ છીએ. અને તેને બિરદાવીએ છીએ.
એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ
ભારત સરકારે સાવચેતી રૂપે ચીનના નાગરિકો અને ચીનથી આવતા પ્રવાસીના વિઝા રદ કર્યા છે. ઉપરાંત બધા એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનિંગ ફરજિયાત છે. થાઈલેન્ડ અને સિંગાપુરથી આવતી તમામ ફ્લાઈટ કોર્ડન કરી આઈસોલેટ કરવા આદેશ અપાયા છે. ૨૧ એરપોર્ટ ઉપર ૧,૮૧૮ ફ્લાઇટથી ભારત પહોંચેલા ૧.૯ લાખ યાત્રીનું કોરોના માટે ચેકિંગ થયું છે.
ભારતીય મેડિકલ ટ્રીટમેન્ટ પર નજર
વુહાનથી પાછી ફરેલી કેરળના થ્રિસુરની ૨૪ વર્ષની યુવતીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે ઉપચાર બાદ તેની તબિયત સારી છે. તેનો પાંચમો રિપોર્ટ નોર્મલ છે અને થ્રિસુર મેડિકલ કોલેજે જણાવ્યું છે કે વધુ એક રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ દર્દીને ઘરે જવા રજા અપાશે. બીજા બે દર્દી ઉપર કસારગોડ અને અલાપુઝા હોસ્પિટલોમાં ઉપચાર જારી છે. કોરોનાનો પહેલો દર્દી સાજો થતાં હવે વિશ્વની નજર હવે ભારતીય ચિકિત્સા પદ્ધતિ પર છે.