નવી દિલ્હીઃ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખોમેનીએ નાગરિકતા કાયદા અંગે ટ્વિટ કરીને ભારતને સલાહ આપી છે કે સરકાર નરસંહાર રોકવાના પગલાં ભરે અને મુસ્લિમોનું રક્ષણ કરે. તેના નિવેદનથી વિવાદ ઊભો થયો છે અને સામે ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. ખોમેનીએ કહ્યું હતું કે ભારતે ઉગ્રવાદી હિન્દુઓ સામે પગલાં ભરીને લઘુમતી મુસ્લિમોનું રક્ષણ કરવું જોઈએ. દેશમાં થઈ રહેલો નરસંહાર રોકવા માટે સરકાર પગલાં ભરે અને ઈસ્લામ ધર્મી દેશોથી થઈ રહેલું અંતર ઘટાડે. ખોમેનીએ ઈન્ડિયન મુસ્લિમ ઈન ડેન્જર હેશટેગથી આ ટ્વીટ કર્યું હતું.
ખોમેનીના આ ટ્વિટ પછી બંને દેશોના રાજદ્વારી સંબંધોમાં ભારે ગરમાવો આવ્યો હતો. ભારતે પણ જવાબ આપતા કહ્યું હતું કે એ અમારા દેશની આંતરિક બાબત છે અને એમાં ઈરાન દખલગીરી કરશે તે ચલાવી લેવામાં આવશે નહીં. અગાઉ ઈરાનના વિદેશ પ્રધાને ભારત વિરોધી નિવેદન આપ્યું હતું. તેના જવાબરૂપે ભારતે ઈરાનના રાજદૂત અલી ચેગાનીને સમન્સ પાઠવ્યું હતું અને આકરો વિરોધ નોંધાવ્યો હતો.