જેરુસલેમઃ ભારતે ઈઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૩૧૭૫ કરોડ)નો સંરક્ષણ સોદો રદ કરી નાંખ્યો છે. ઇઝરાયલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઇઝરાયેલની કંપનીએ સંપૂર્ણ ટેકનોલોજી ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરતા સોદો રદ કરાયાની શક્યતા જોવાઈ રહી છે. આ સોદા હેઠળ રાફેલને ભારત માટે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ સ્પાઇકનું નિર્માણ કરવાનું હતું. રાફેલે આ સોદો રદ કરવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. આ સોદો એવા સમયે રદ જાહેર થયો છે જ્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેત્યાન્હૂ પ્રથમ વખત ભારત - ગુજરાતની મુલાકાતે આવવાના છે. રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લિમિટેડના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતના સંરક્ષણ મંત્રાલય તરફથી સ્પાઇક અંગે થયેલી સમજૂતી રદ કરવાનું સત્તાવાર નોટિફિકેશન રાફેલને મળી ગયું છે.