નવી દિલ્હીઃ ભારતીય સત્તાવાળાઓએ ચાઇનીઝ કંપની વિવોના 27 હજાર સ્માર્ટફોનની એક્સપોર્ટ અટકાવી રાખી છે. વિવો કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી કંપની દ્વારા મેન્યુફેક્ચર કરાયેલા આ સ્માર્ટફોન નાણામંત્રાલય હસ્તકના રેવન્યૂ ઇન્ટેલિજન્સ યુનિટે નવી દિલ્હી એરપોર્ટ પર રોકી રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડિવાઈસ મોડલ્સ અને તેની કિંમત અંગે કંપની દ્વારા ખોટી માહિતી આપવા બદલ આ એક્સપોર્ટ અટકાવવામાં આવી છે. સ્માર્ટફોનનું આ શિપમેન્ટ લગભગ 1.50 કરોડ ડોલર (અંદાજે 125 કરોડ રૂપિયાનું) છે.
ઉલ્લેખનીય છે કે, 2020માં ગલવાન ખીણમાં ભારત-ચીનના જવાનો વચ્ચે હિંસક ઝપાઝપી બાદ બંને દેશ વચ્ચે તંગ બનેલા સંબંધોની પૃષ્ઠભૂમિમાં ભારતે એમજી મોટર પ્રા. લિમિટેડ તથા શાઓમી કોર્પ. અને ઝેડટીઈ કોર્પ.ના લોકલ યુનિટ્સ સહિત ચાઇનીઝ કંપનીઓની સ્ક્રૂટિની વધારી છે. વિવોનું શિપમેન્ટ અટકાવાતાં ભારતમાં કાર્યરત અન્ય ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીઓની બેચેની પણ વધી શકે છે. કેમ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હઠળ ભારત સરકાર તેમને લોકલ સપ્લાય ચેન વધુ મજબૂત બનાવવા પુશ કરી રહી છે.