મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ માટે નેપાળ પહોંચ્યા ત્યારે જોયું કે હોસ્પિટલમાં ભારે ભીડ અને ડોક્ટરોની અછત છે. અહીં તેમણે ૧૫ વર્ષની બાળકી સંધ્યા ચાલીસેને પણ નિહાળી.
નેપાળમાં આવેલા ૭.૯ની તીવ્રતાના ભૂકંપમાં માસૂમ સંધ્યા પર ઘરની દીવાલો પડી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આથી સંધ્યાના મગજમાં લોહી જમા થઈ ગયું હતું અને તેનું ઓપરેશન કરવું ખૂબ જરૂરી હતું. આવા સંજોગોમાં ત્યાંના ડોક્ટરોએ સંજય ગુપ્તાને સંધ્યાનો ઈલાજ કરવાનો આગ્રહ કર્યો. ત્યારબાદ સંજય તેનો ઈલાજ કરવાનો નિર્ણય લીધો. સંજય ગુપ્તાએ જણાવ્યું કે ત્યાં ઈલાજ માટે આધુનિક ઓજારોની કમી હતી, તેથી તેમને જરૂરી ટેકનોલોજી પણ મળી શકે તેમ નહોતી. આમ છતાં તેમણે હાથવગા સાધનોનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક સર્જરી પાર પાડી હતી. ૧૫ વર્ષની સંધ્યાની સર્જરીના થોડા સમય બાદ એક આઠ વર્ષની બાળકીને પણ હોસ્પિટલ લવાઈ હતી. આ બાળકી પર પણ દીવાલ પડી હતી.
સીએનએનના ચીફ મેડિકલ કોરસપોન્ડન્ટ્સ સાથે સંજય ગુપ્તા એટલાન્ટાના ઈમોરી હેલ્થ કેરમાં ન્યૂરો સર્જન છે. સંજય ગુપ્તા ૪૫ વર્ષના છે અને તેમનાં ત્રણ બાળકો છે. સંજયે રિપોર્ટરની જોબ દરમિયાન આ અગાઉ પણ ઓપરેશન કર્યા છે. ૨૦૦૩માં ઈરાકમાં રિપોર્ટિંગ દરમિયાન અમેરિકી જવાનો અને ઈરાકી નાગરિકોની સર્જરી કરી હતી. ૨૦૧૦માં હૈતીમાં આવેલા ભૂકંપ બાદ સંજય ગુપ્તાએ અન્ય કેટલાક ડોક્ટરો સાથે મળીને એક બાર વર્ષની બાળકીની સર્જરી કરીને પથ્થરનો ટુકડો કાઢ્યો હતો.