કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી બહાર આવવામાં એક દાયકાથી પણ વધુનો સમય લાગી શકે છે.
નેપાળી અર્થતંત્રમાં આશરે ૫૩ ટકા હિસ્સો ધરાવતી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝનું સૌથી મોટું યોગદાન પર્યટનનું છે. જોકે ભૂકંપમાં કાઠમંડુના બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધ્વસ્ત થઇ ગઇ છે. આ હેરિટેજ સાઇટ જોવા માટે પર્યટકો નેપાળ આવતા હતા. પર્યટન ઉદ્યોગ નેપાળી અર્થતંત્રની કરોડરજ્જૂ છે.
બેંકિંગ સેવા ઠપ, એટીએમને તાળાં
કાઠમંડુની બેંકિંગ સેવા ભૂકંપના પાંચમા દિવસે પણ બંધ છે. બેંકોની ઘણી શાખાઓ અને એટીએમ પર તાળાં લટકી રહ્યા છે. બેંકના એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે સેવાઓ સામાન્ય થવામાં હજી એક સપ્તાહથી વધુનો સમય લાગી શકે છે.