કાઠમાંડુઃ વિનાશક ભૂકંપે નેપાળમાં ચોમેર તબાહી વેરવાની સાથોસાથ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ઘટાડી નાખી છે, તો બીજી તરફ કાઠમાંડુની ઊંચાઇ વધારી દીધી છે.
સેટેલાઈટ ડેટા મુજબ એવરેસ્ટની ઊંચાઈમાં ૨.૫ સે.મી.નો ઘટાડો થયો છે. ભૂકંપ પછી નેપાળની વિનાશકતાની તસ્વીર જોતાં લાગે છે કે કાઠમાંડુ નજીકના મેદાનમાં એક પાટો વધારે પહોળો બની ગયો હતો. પરિણામે કાઠમાંડુ ઊંચુ આવી ગયું છે.
સર્વે ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, ભૂકંપ બાદ કાઠમંડુની ખીણની ઉંચાઈમાં ૮૦ સેન્ટીમીટરનો વધારો થયો છે. સતત ૪ દિવસ જીપીએસ સિસ્ટમ દ્વારા નિરીક્ષણ કરાયા બાદ સર્વે ડિપાર્ટમેન્ટ દ્વારા આ તારણ જાહેર થયું છે. કાઠમંડુ ભૂકંપ અગાઉ દરિયાઇ સપાટીથી ૧૩૩૮ મીટરની ઊંચાઈએ હતું. જ્યારે ભૂકંપ બાદ તે ૧૩૩૮.૮૦ મીટર ઊંચુ થયું છે.
ભયાનક ભૂકંપનો સત્તાવાર મૃત્યુઆંક ૮૦૦૦ કરતાં વધી ગયો છે. લગભગ ૨,૭૯,૨૩૪ મકાનો નાશ પામ્યા છે અને ૧૬ હજારથી વધુ લોકોને ઈજા થઈ છે.