મેડ્રિડઃ યુરોપિયન સ્પેસ એજન્સીએ આજથી 20 વર્ષ પહેલાં લોંચ કરેલા માર્સ એક્સપ્રેસ ઓર્બિટરની મદદથી મંગળ ગ્રહનું લાઈવ ટેલિકાસ્ટ કરીને ઇતિહાસ રચ્યો છે. મંગળ પરથી પહેલી વખત આ રીતે લાઈવ સ્ટ્રીમિંગ થયું હતું. લાઇવ ફૂટેજને 30 કરોડ કિલોમીટરનું અંતર કાપીને પૃથ્વી પર પહોંચતા 17 મિનિટ લાગી હતી. મંગળ ગ્રહનો એક તૃતીયાંશ ભાગ પ્રસારણ દરમિયાન બતાવાયો હતો.
યુરોપિયન સ્પેસ એજન્સીએ બે દસકાં પહેલાં જૂન 2023માં માર્સ એક્સપ્રેસ ઓર્બિટર મંગળ પર પહોંચાડ્યો હતો. માર્સ એક્સપ્રેસ મિશનના 20 વર્ષ થયા હોવાથી યુરોપિયન સ્પેસ એજન્સીએ મંગળ ગ્રહનું લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું. મંગળ પરથી ફૂટેજ મેળવીને પૃથ્વી પર લાઈવ સ્ટ્રીમિંગ થયું હોય એવો આ પહેલો બનાવ છે. પૃથ્વીથી મંગળનું અંતર લગભગ 30 કરોડ કિલોમીટર છે. આટલું અંતર કાપતા ફૂટેજને 17 મિનિટનો સમય લાગ્યો હતો. સ્ટ્રીમિંગ દરમિયાન 6916 ફ્રેમ રીસિવ થઈ હતી.
લાઇવ સ્ટ્રીમિંગના સિગ્નલ પૃથ્વી પર પહોંચશે કે નહીં તે બાબતે સંશોધકોને શંકા હતી, પરંતુ પહેલી વખતનો આ પ્રયોગ સફળ રહ્યો હતો. સ્પેસક્રાફ્ટમાં લગાવેલા વેબકેમથી દૃશ્યો કેપ્ચર થયા હતા. પ્રસારણ દરમિયાન વાતાવરણની અસર પણ થઈ હતી. ફૂટેજના ટ્રાન્સમિશન વચ્ચે જ્યારે જ્યારે વાતાવરણ ખરાબ થયું હતું તે વખતે પ્રસારણમાં અવરોધ ઉભો થયો હતો.
સ્પેન સ્થિત એન્ટેનામાંથી તેનું પ્રસારણ થયું હતું. સ્પેસ ક્રાફ્ટમાંથી મંગળનો એક તૃતિયાંશ ભાગ દેખાતો હતો. યુરોપિયન સ્પેસ એજન્સીએ આ ઘટનાને માઈલ સ્ટોન ગણાવી હતી. લાખો લોકોએ યુરોપિયન સ્પેસ એજન્સીની યુટ્યૂબ ચેનલ પર તેનું પ્રસારણ જોયું હતું. યુરોપિયન સ્પેસ એજન્સીનું આ મિશન 2026 સુધી મંગળના વાતાવરણનો અભ્યાસ કરશે.