અંતાનનારિવોમાંઃ હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પરનો ટાપુ દેશ મડાગસ્કર મોરેશિયસની નજીક જ દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા ટાપુ પર વસેલો છે. મડાગસ્કર અને ગુજરાતને સદીઓ જૂનો સંબંધ છે. અંદાજે વર્ષ ૧૭૮૦ આસપાસ પહેલી વખત મડાગસ્કર ગયેલા અમુક ભારતીયો ત્યાં વસી ગયા હતા જેમાં મોટેભાગે ગુજરાતીઓ હતા. ૧૮મી સદીથી ૨૦મી સદીની શરૂઆત સુધી મડાગસ્કરમાં ભારતીયોની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો. અહીંના બિઝનેસ ક્ષેત્રમાં ભારતીયો એમાં પણ મોટેભાગે ગુજરાતીઓનો મોટો ફાળો છે. અંદાજે ૧૫૦૦૦ આસપાસ ભારતીયો અહીં વસે છે જેમાં ૨૫૦૦ જેટલા ભારતીય પાસપોર્ટ હોલ્ડર છે.
ગુજરાતીઓ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ, રિઅલ એસ્ટેટ બિઝનેસમાં વધારે છે. ઘણા ભારતીયો અહીં મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મડાગસ્કરની જીડીપીમાં ગુજરાતી સમુદાયનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. મડાગસ્કરમાં વસતા ગુજરાતી લોકો દરેક તહેવાર ઉજવે છે, પણ નવરાત્રીમાં રોનક જ અલગ હોય છે. આ વર્ષે આખું વિશ્વ કોરોનાના કારણે નવરાત્રીની ઉજવણી વર્ચ્યુઅલ કરી રહ્યું છે, પણ મડાગસ્કરમાં ધામધૂમથી નવરાત્રી ઉજવાઈ રહી છે. મડાગસ્કરના પાટનગર અંતાનનારિવોમાં તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા ટેમ્પલ કોમ્પલેક્સમાં ગરબાનું આયોજન કરાયું હતું. આરતી બાદ ગરબા-રાસ, દાંડિયા-રાસની રમઝટ જામે છે. પ્રસાદી વહેંચ્યા બાદ લોટરી દ્વારા બીજા દિવસની આરતી માટે નામોની પસંદગી અહીં થાય છે. ટેમ્પલ કોમ્પલેક્સમાં ભવ્ય હિંદુ મંદિરની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે.