મદદમાં વિલંબથી નેપાળમાં નારાજ લોકો રસ્તા પર ઉતર્યા
કાઠમાંડુઃ ભૂકંપના પાંચમા દિવસે નેપાળી પ્રજાજનો લાઇનમાં ઊભા છે. એરપોર્ટથી લઇને બસ સ્ટેશનો સુધી હજારો લોકો લાઇનમાં લાગ્યા છે. ૨૯ એપ્રિલે રાજધાનીમાં કેટલાક એટીએમ અને દુકાન ખૂલ્યા તો ત્યાં પણ લાઇન લાગી ગઇ. લોકો પૈસા કાઢીને જેમ બને તેમ જલદી કાઠમાંડુની બહાર જવા માગતા હતા.
ગામોમાં પણ લોકો મદદ મેળવવા માટે લાઇનમાં ઊભા છે. લાઇન ત્યારે વધારે લાંબી થઇ ગઇ જ્યારે ૨૦૦ લોકોએ મદદની ધીમી ગતિના વિરોધમાં ચક્કાજામ કરી દીધું હતું. પૂરતા પ્રમાણમાં મદદ પહોંચવાના કારણે લોકો ગુસ્સામાં છે. એક દેખાવકારનું કહેવું હતું, 'અમે ભૂખ્યાં છીએ. અમારી પાસે પીવાનું પાણી ખરીદવાના પણ પૈસા નથી. રાત્રે (ભયના માર્યા) સૂઇ શકતા નથી. મારો સાત વર્ષનો પુત્ર છે. ખુલ્લામાં રાખવો પડ્યો છે. ઠંડીના કારણે તેને ન્યુમોનિયા થઇ ગયો છે. આવા સેંકડો બાળકો છે. આખરે સરકાર શું કરી રહી છે?'