વોશિંગ્ટનઃ આખરે જાહેરાત મુજબ જ અફઘાનિસ્તાનમાં અમેરિકાની બે દાયકાની હાજરીનો સોમવારે મધરાતે અંત આવ્યો છે. આ સાથેની તસવીર અમેરિકાના રક્ષા વિભાગે જાહેર કરી છે જે અફઘાનિસ્તાન છોડનાર અંતિમ અમેરિકન સૈનિકની છે. આ સૈનિકનું નામ મેજર જનરલ ક્રિસ ડોનાહૂ છે જેમણે આખરી સી-૧૭ વિમાનમાં બેસીને અફઘાનિસ્તાનના કાબુલથી અમેરિકાની યાત્રા શરૂ કરી.
અફઘાનિસ્તાનમાં વીસ વર્ષ સુધી ચાલેલા યુદ્ધના અંત સાથે હવે દેશ તાલિબાનના નિયંત્રણમાં આવી ગયો છે અને કાબુલ એરપોર્ટ પર તાલિબાનનો કબજો થઈ ગયો છે. તાલિબાનના શાસનને લઈને હાલ અનિશ્ચિત માહોલ છે. એક તરફ તાલિબાનનો દાવો છે કે બીજો કાર્યકાળ પ્રથમ કાર્યકાળથી અલગ રહેશે જ્યારે બીજી તરફ મોટી સંખ્યામાં લોકોએ અફઘાનિસ્તાન છોડીને જઈ રહ્યાં છે.
આખરી કલાકોમાં શું થયું?
અમેરિકાએ અફઘાનિસ્તાનમાં નિયત તારીખ ૩૧મી ઓગસ્ટ પૂર્વે જ મિશન પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરી હતી. અમેરિકાના અફઘાનિસ્તાન મિશનની લોકોને બહાર કાઢવાની અંતિમ ફ્લાઇટે સ્થાનિક સમય અનુસાર સોમવારે મધરાતે બાર વાગે અફઘાનિસ્તાન છોડી દીધું છે એમ સેન્ટ્રલ કમાન્ડર કેનેથ મૈકેન્ઝીએ કહ્યું હતું. તાલિબાન સાથેની સંધિ અનુસાર ૩૧ ઓગસ્ટ સુધી અમેરિકાએ સેના પાછી ખેંચી લેવાની હતી. અમેરિકાએ કહ્યું કે, બે દાયકામાં ૨૪૬૧ અમેરિકન સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યાં અને ૨૦ હજાર લોકો ઘાયલ થયાં.
૧૪ ઓગસ્ટથી સોમવાર ૩૦ ઓગસ્ટ સુધીમાં અમેરિકાએ ૬૦૦૦ અમેરિકન સૈનિકો સહિત ૧,૨૩,૦૦૦ લોકોને અફઘાનિસ્તાનમાંથી કાઢ્યા છે.
અમેરિકાના સહયોગી દેશોએ પણ હજારોની સંખ્યામાં લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢ્યા છે. જોકે, આ દેશો માટે કામ કરનાર અનેક લોકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે અને તેઓ તાલિબાનનું નિશાન બની શકે છે.
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકને કહ્યું છે કે, તમામ અમેરિકન પ્રતિનિધિઓ કાબુલ છોડી ચૂક્યા છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં એક નવું કૂટનૈતિક મિશન શરૂ કર્યું છે. અમેરિકાએ કાબુલસ્થિત અમેરિકન દૂતાવાસ બંધ કરી દીધું છે અને હવે તેને કતરની રાજધાની દોહા લઈ જવામાં આવ્યું છે.
તાલિબાનનો ફરી ઉદય
અફઘાનિસ્તાનમાં બે દાયકાના યુદ્ધનો અંત આવી રહ્યો છે ત્યારે તાલિબાનના ફરી ઉદયથી અનેક સમીકરણો બદલાઈ રહ્યાં છે. જેવું અમેરિકાનું છેલ્લું વિમાન લોકોને લઈને રવાના થયું કે કાબુલ હવાઈમથકે જશ્ન તરીકે ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાબુલની સડકો પર પણ તાલિબાનીઓએ ઉજવણી કરી હતી. અમેરિકન સૈનિકોએ અફઘાનિસ્તાન છોડ્યું પછી તરત તાલિબાન લડાકુ ઍરપોર્ટમાં પ્રવેશ કર્યો.
ઐતિહાસિક ઘટનાઃ તાલિબાન
તાલિબાને અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું એને ઐતિહાસિક ઘટના ગણાવી છે. તાલિબાનના પ્રવક્તાએ આને સંપૂર્ણ આઝાદી ગણાવી તો અન્ય નેતા હક્કાનીએ કહ્યું કે આ ઐતિહાસિક પળ છે. તાલિબાને એમ પણ કહ્યું કે તેઓ અમેરિકા સાથે સારા રાજદ્રારી સંબંધોની આશા રાખે છે.
કાબુલ બ્લાસ્ટનો કાવતરાખોર હણાયો
કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલાના ૪૮ કલાકમાં જ અમેરિકાએ ડ્રોન હુમલામાં ઇસ્લામિક સ્ટેટ ખોરાસનના આતંકવાદીને બોમ્બથી ઉડાવી દીધો હતો. પેન્ટાગોને જણાવ્યું હતું કે, અમેરિકી સેના દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં કાબુલ એરપોર્ટ પર વિસ્ફોટનું કાવતરું ઘડનારો આતંકવાદી માર્યો ગયો હતો. કાબુલ એરપોર્ટ પર ૧૩ અમેરિકન સૈનિક સહિત ૧૭૦નો જીવ લેનાર આત્મઘાતી વિસ્ફોટનું કાવતરું આ આતંકીએ ઘડ્યું હતું. તે એક વાહનમાં જતો હતો ત્યારે અમેરિકી સેનાના રિપર ડ્રોને બોમ્બ ફેંકી તેને ઉડાવી દીધો હતો.